ઘરમાં જ રહો, હજુ ૨૪ કલાક :મુખ્યમંત્રીની અપીલ: હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોબાઈલ અને વીજ સેવા ઠપ્પ

  • મેં મારા જીવનમાં આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે, તેને આપત્તિ જાહેર કરવી જોઈએ.

શિમલા, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હિમાચલના થુનાગમાં પૂર આવ્યું તો કુલ્લુ બસ સ્ટેન્ડ પાસે પૂર જેવી સ્થિતિ બની છે. આ તરફ કુમાઉમાં સતત મૂશળધાર વરસાદની સાથે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના પણ બની છે. જેમાં ટનકપુર-પિથૌરાગઢ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ તરફ હવે વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોબાઈલ અને વીજ સેવા ઠપ્પ થઈ ગઈ છે. વરસાદની તારાજીને લઈ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ લોકોને ૨૪ કલાક ઘરમાં રહેવા અપીલ કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે, રાજ્યમાં હજુ ૨૪ કલાક ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, હું લોકોએ ૨૪ કલાક ઘરમાં રહેવા અપીલ કરું છું. હું ૨૪ કલાક જનતાની સેવા કરવા ઉપલબ્ધ છું. આ સાથે કહ્યું કે, અત્યારે તમામ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં રહેવાની જરૂર છે.

હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, ક્સિાન ભવન મનાલીમાં ફસાયેલા ૨૭ લોકોને આજે સવારે ૬ વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને હોમગાર્ડ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો અને આ લોકો નદીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા હતા. વરસાદને લઈને હિમાચલના સીએમ સુખુએ કહ્યું કે, અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. લોકો ઘણી જગ્યાએ ફસાયેલા હતા, તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પીવાના પાણી અને ખોરાકની સપ્લાય કરવામાં આવી રહી છે. મેં મારા જીવનમાં આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે, તેને આપત્તિ જાહેર કરવી જોઈએ. હવામાન વિભાગે ૩ દિવસ પહેલા એલર્ટ કર્યું હતું. અમે લોકોને પણ કહ્યું હતું. જેના કારણે નુક્સાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મને ફોન કરીને મદદની ખાતરી આપી હતી.હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વીટ કર્યું છે કે ફસાયેલા લોકોના તમામ બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને લાખો લોકોને નદીના પટમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હું આખી રાતથી પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું. હવે અમે રોડ અને હાઈવેના રિસ્ટોરેશનનું કામ શરૂ કર્યું છે.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. રાવી નદીમાં ઉછાળો આવ્યો છે. નદીની નજીક આવેલા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જાણવા મળ્યું છે કે, કાટમાળ અને ખડકોના કારણે પઠાણકોટ-ભરમૌર એનએચ બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના ચંબામાં દુલ્હન સાથે પરત ફરી રહેલી સરઘસની બસ સાથે મોટી ખડક અથડાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે, બસમાં સવાર જાનૈયાઓને નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અકસ્માત બાદ જાનૈયાઓ અન્ય વાહનોમાં નીકળી ગયા હતા.

હિમાચલ પ્રદેશમાં ભાજપે લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. વરસાદના નુક્સાનની માહિતી માટે લોકો હિમાચલ બીજેપી હેડક્વાર્ટરના ૦૧૭૭૨૮૩૧૮૯૩ અને ૯૩૧૭૨૨૧૨૮૯ પર કૉલ કરી શકે છે. હિમાચલમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને કારણે ૮ લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં ૬ લોકોના મોત થયા છે. કોટગઢ, કુમારસેન, શિમલાના માધવાની પંચાયતના પાનેવલી ગામમાં, એક ટેકરી પરથી મોટા ભૂસ્ખલનને કારણે એક ઘર કાટમાળ નીચે દબાઈ ગયું. ઘટના સમયે ઘરના એક રૂમમાં સૂઈ રહેલા માતા-પિતા અને તેમના ૧૧ વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ થિયોગના ધામંદરીના બગડા ગામમાં ઘરમાં જમીન સ્લાઈડ પડતાં માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. આ તરફ હવે ભારે વરસાદને કારણે નવા શિમલા નજીક રાજહાના ગામમાં એક ટેકરી પરથી ભારે કાટમાળ અને વૃક્ષો એક ઇમારત પર પડ્યા હતા. અકસ્માતમાં બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા ઘાયલ થઈ હતી. કુલ્લુ જિલ્લાના લંકાદબીર ગામમાં મહિલાનું મોત થયું છે. ચંબાના કાકિયાનમાં પણ ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. વરસાદ અને ભૂસ્ખલનને કારણે નવ લોકો ઘાયલ થયા છે અને ત્રણ લાપતા છે. ભારે વરસાદને જોતા હિમાચલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે રસ્તા બંધ થતાં સેંકડો પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં અટવાઈ પડ્યા છે.