ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹50 વધારો:આવતીકાલથી નવી કિંમત લાગુ : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ₹2 વધી:ભાવમાં વધારો નહીં થાય

ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે.

ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે.સરકારે છેલ્લે 8 માર્ચ, 2024ના રોજ મહિલા દિવસ પર સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

1 એપ્રિલના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 44.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં તેની કિંમત ₹41 ઘટીને ₹1762 થઈ ગઈ. પહેલા તે ₹1803માં મળતું હતું. કોલકાતામાં તે ₹1868.50માં ઉપલબ્ધ છે, જે ₹44.50 ઘટીને છે, અગાઉ તેની કિંમત ₹1913 હતી.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ₹2 વધી:ભાવમાં વધારો નહીં થાય, આદેશના અડધા કલાક પછી સરકારે સ્પષ્ટતા કરી- આ ખર્ચ પેટ્રોલિયમ કંપની ઉઠાવશે

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. આને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે.

હાલમાં, સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર 19.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 15.80 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરી રહી છે. આ વધારા પછી, પેટ્રોલ પર પ્રતિ લિટર 21.90 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 17.80 રૂપિયા ડ્યુટી લાગશે.હાલમાં ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે 4 બાબતો પર આધાર રાખે છે..

  • ક્રૂડ ઓઇલનો ભાવ
  • રૂપિયા સામે ડોલરનું મૂલ્ય
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા કર
  • દેશમાં ઇંધણની માંગ

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે? જૂન 2010 સુધી, પેટ્રોલની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર કરવામાં આવતો હતો. 26 જૂન 2010 પછી, સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. તેવી જ રીતે, ઓક્ટોબર 2014 સુધી, ડીઝલના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હતા.

19 ઓક્ટોબર, 2014થી, સરકારે આ કામ પણ તેલ કંપનીઓને સોંપી દીધું. હાલમાં, તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, વિનિમય દર, કર, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.