ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ,

જો તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન કર્યા વિના તમે સિલિન્ડરની ડિલિવરી લો છો તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં ફરી એક વાર ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફીલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદના જ એક વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે એક આરોપીને પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલો આરોપી છેલ્લા કેટલાય સમયથી સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરીને ખાલી સિલિન્ડરમાં રિફીલીંગ કરી બારોબાર વેચી દેનાર એક યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. જુના વાડજ વિસ્તારમાં નરસિંહ ભાઈની ચાલી સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી વાડજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા એક ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફીલીંગ કરતો યુવક રંગેહાથ ઝડપાયો હતો. આરોપી પાસેથી અલગ અલગ ૧૧ ગેસના સિલિન્ડર કબ્જે કરવાના આવ્યા છે. આ મામલે વાડજ પોલીસે ભરત પરમાર નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

પકડાયેલો આરોપી ભરત પરમાર શાીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસની અર્જુન ગેસ એજન્સીમાં ૨ વર્ષથી પેટા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ખાલી બાટલામાં ગેસ રિફિલ કરી ૧૧૦૦ રૂપિયામાં વેચી નાખતો હતો. પોલીસ તપાસમાં છેલ્લા ૨ વર્ષથી ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. ત્યારે ગેસની ચોરી કરવા એક પાઈપથી ખાલી સિલિન્ડરમાં રિફીલિંગ કરી ચોરી કરતો હતો.. એક સિલિન્ડરમાં આશરે ૫ થી૬ કિલો ગેસની કાઢી દેવામાં આવતો હતો. ત્યારે આરોપી કેટલા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો અને ગેસ એજન્સીના કર્મીની આ મામલે સંડોવણી છે કે કેમ તેમજ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.