સુરત, શહેરમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમા ભાડુઆત પ્રેમિકાએ મકાનમાલિકને પોતાના પ્રેમજાળમાં ફસાવીને ૯૬ લાખથી વધારે રૂપિયા લઇને અન્ય પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. પ્રેમિકાએ મકાન માલિકને લાલચ આપી હતી કે, પોતે પતિ સાથે છૂટાછેડા લઇને તેની સાથે લગ્ન કરી લેશે. મકાન માલિક યુવકે વેલેન્ટાઇ ડેના દિવસે જ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વેડ રોડ સ્થિત વિરામ નગર સોસાયટીના સિધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ ધનજી ઉકાણીને (ઉ.વ. ૩૭ મૂળ ગીરસોમનાથ) પત્ની સાથે મનમેળ ન હોવાથી એકલો ભાડાના ફ્લેટમાં રહે છે. વર્ષ અગાઉ દિલીપ ક્તારગામની કૃષ્ણકુંજ સોસાયટી વિભાગ એ માં પોતાના મકાનમાં પહેલા માળે એકલો રહેતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ભાડુઆત તરીકે જયશ્રી દિનેશ ભગત અને તેનો પ્રેમી શુભમ સમાધાન મિસલ (ઉ.વ. ૩૦ મૂળ રહે. મોહરી, તા. મંગરૂલપીર, જી. વસીમ, મહારાષ્ટ્ર) સાથે રહેતા હતા.
શુભમને અવારનવાર પંદર-વીસ દિવસ સુધી વતન મહારાષ્ટ્ર જવાનું થતું હતું. જે સમયગાળા દરમિયાન જયશ્રી અને દિલીપ વચ્ચે પ્રેમ થયો હતો. જે બાદ બંને સાથે રહેવા લાગ્યા હતા. દિલીપ સાથે લગ્નનું કહી તેણે બોયફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ કરી લીધું હતું. જયશ્રીએ જ આ મકાન વેચી અન્ય સ્થળે સાથે રહીશું તેવું કહેતાં આ યુવકે દોઢ કરોડનું મકાન ૯૬.૪૪ લાખમાં વેચી નાંખ્યુ હતુ.
જોકે, ૨૩મી જાન્યુઆરીએ મકાન વેચીને આવેલી રોકડ રકમ ઘરમાં પડી હતી. ૩૧મીએ સાંજે પોતાના બંને બાળકોને તેના પિતા પાસે મૂકવા જવાનું કહી આ યુવતી દિલીપ સાથે ડભોલી બજરંગ નગર પહોંચી હતી. જોકે, તેનો પૂર્વ પતિ દિનેશ ત્યાં મળ્યો ન હતો. જેથી તેના બાળકોને સાથે લઇને ત્યાં શોધવા ગયા હતા. પરંતુ તે બાળકોને ત્યાં જ છોડીને પોતે પરત આવીને રોકડ રકમ લઇને પ્રેમી શુભમ સાથે ફરાર થઇ ગઇ હતી. જેથી દિલીપ ધનજી ઉકાણીએ ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.