મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કરીને દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન-રાષ્ટ્રીય સ્વસ્થતા દિવસે ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડવોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃન્વ હેઠળની રાજ્ય સરકારે સ્વચ્છતા અંગે જાગૃતિ માટેના અનેકવિધ સીમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે આ નવતર અભિગમ પણ દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
તેમણે ઉમેર્યુ કે બીજી ઓક્ટોબર સ્વચ્છતાદિને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલી આપવા માટે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવ નિર્મીત ભવનોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ભૂમિપજન પણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે વડાપ્રધાનએ માતા યશોદા એવોર્ડની જાહેરાત કરી હતી. એ પ્રતિ વર્ષ આપવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ આ દિવસે કરવામાં આવશે.
તેમણે કહ્યુંકે નંદઘર ખાતે ભૂલકાઓના બાયોડેટા સહિત હાજરી તથા આંગણવાડી કાર્યકરોની હાજરી અને કામગીરી માટે રાજ્ય સરકારદ્વારા નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન પણ તૈયાર કરાઇ છે. આ એપ્લીકેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચીંગ પણ આ જ દિવસે કરવામાં આવશે.