
- ઉમેદવાર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ.
ગોધરા, લોકસભા સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત આગામી 7 મે ના રોજ મતદાન થવાનું છે. ત્યારે 18 પંચમહાલ સંસદીય વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજરોજ સાત એ.સી.વાઇઝ જનરલ ઓબ્ઝર્વર છોટે સિંઘ (આઇએએસ)ની અધ્યક્ષતામાં તથા જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બીજું રેન્ડમાઇઝેશન યોજાયું હતું. જેમાં જિલ્લાના ઉમેદવારો તથા રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી.
બીજા ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનમાં કયા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્ડમાઈઝેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પોલિંગ સ્ટેશન ખાતે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટના સેટની કયા પોલિંગ બૂથ ખાતે ફાળવણી થશે તે સોફ્ટવેર દ્વારા નક્કી કરાશે તે અંગે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.પી.કે.ડામોરએ રેન્ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના 125% લેખે બેલટ યુનિટ, 125% લેખે ક્ધટ્રોલ યુનિટ અને 135% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્યું હતું. પોલિંગ બૂથોને રિઝર્વ્ડ યુનિટોની ફાળવણીને કારણે કોઈ મશીનોમાં કોઈ ખામી સર્જાય તો પણ વધારાના યુનિટો દ્વારા વોટિંગની પ્રક્રિયા કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં વોટિંગની પ્રક્રિયામાં અવરોધ આવે નહિ તેની કાળજી રાખવામાં આવી છે.
રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન સાતેય એ.સીના મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઈવીએમ/વીવીપેટના નોડલ ડી.એન.પટેલ સહિત ઉમેદવારો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.