રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ’એકસ’ પર પોસ્ટ કરીને રાજ્યના યુવાનો માટે બેરોજગારી ભથ્થાની વર્તમાન સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ગેહલોતે લખ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં બેરોજગાર યુવાનોને ૪૫૦૦ રૂપિયા પ્રતિ માસનું ભથ્થું આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે તેમના માટે મહત્ત્વપૂર્ણ આધાર સાબિત થયું હતું.
ગેહલોતે કહ્યું કે તેમને ઘણા યુવાનો પાસેથી માહિતી મળી છે કે તેમને છેલ્લા ઘણા મહિનાઓથી આ ભથ્થું નથી મળી રહ્યું, જેના કારણે તેમના અભ્યાસમાં અવરોધો આવી રહ્યા છે. તેમણે આ સ્થિતિ અંગે રાજ્યની વર્તમાન સરકાર અને મુખ્યમંત્રી ભજન લાલને આડે હાથ લીધા છે.
પોતાની પોસ્ટમાં ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે વચન આપ્યું હતું કે જો ભાજપની સરકાર બનશે તો કોંગ્રેસ સરકારની કોઈપણ યોજના બંધ કરવામાં આવશે નહીં, પરંતુ તેને વધુ મજબૂત કરવામાં આવશે. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનના યુવાનોએ આ ગેરંટી પર વિશ્ર્વાસ કર્યો હતો અને ભાજપને વોટ આપ્યો હતો, પરંતુ હવે તેમને ન તો નોકરી મળી રહી છે કે ન તો બેરોજગારી ભથ્થું, જેના કારણે તેમની પાસે માત્ર નિરાશા અને અફસોસ જ બચ્યો છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને મુખ્ય પ્રધાન ભજન લાલને બેરોજગારી ભથ્થું શક્ય તેટલી વહેલી તકે ફરીથી શરૂ કરવા વિનંતી કરી જેથી રાજ્યના યુવાનોને રાહત મળી શકે અને તેઓ તેમના અભ્યાસ અને અન્ય જરૂરિયાતો પૂર્ણ કરી શકે. ગેહલોતનું આ નિવેદન રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપી શકે છે, ખાસ કરીને જ્યારે રાજ્યમાં બેરોજગારી અને યુવાનોના મુદ્દાઓ પહેલેથી જ ચર્ચામાં છે.