ગીર પૂર્વમાં વન્યજીવો માટે પાણીની વિશેષ વ્યવસ્થા:247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવાયા, કેલ્શિયમ માટે મીઠાની ઈંટની પણ વ્યવસ્થા

અમરેલી જિલ્લાના ધારી વન વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ગીર પૂર્વ વિસ્તારમાં 247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ પોઈન્ટ રકાબી આકારના છે જ્યાં સિંહ સહિતના વન્યજીવો પોતાની તરસ છીપાવી રહ્યા છે. ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક પી.એમ. ચાંદુના જણાવ્યા મુજબ, ઉનાળામાં મોટાભાગના કુદરતી જળસ્ત્રોતો સુકાઈ જાય છે. વન્યજીવોને કેલ્શિયમની ઉણપ ન થાય તે માટે પાણીના પોઈન્ટ પાસે મીઠાની ઈંટ પણ મૂકવામાં આવે છે.

વન વિભાગના કર્મચારીઓ ટેન્કર, સોલાર લાઈટ, ડિઝલ એન્જિન અને ગઝલર જેવા સાધનોથી આ પોઈન્ટ ભરે છે. પાણી ભર્યા બાદ થોડું છલકાવવામાં આવે છે જેથી આસપાસ ઠંડક જળવાઈ રહે. પતંગિયા અને કીટકો માટે ભીના શણના કોથળા રાખવામાં આવે છે. ગીર જંગલમાં 41 પ્રકારના સસ્તન, 47 સરિસૃપ અને 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ વસવાટ કરે છે. વન વિભાગ દ્વારા પાણીના પોઈન્ટની નિયમિત સફાઈ કરવામાં આવે છે અને પ્રાણીઓની સુવિધા માટે આસપાસ રેતી પણ નાખવામાં આવે છે. અધિકારીઓ આ સમગ્ર વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે.