ગાઝામાંથી ચાર લાખ લોકોએ ઘર છોડ્યા, યુદ્ધમાં પ્રતિબંધિત સફેદ ફોસ્ફરસનો ઉપયોગ!

તેલઅવીવ, ઈઝરાયલ પર હમાસનો હુમલો હવે પોતાના પર જ ભારે પડી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના બોમ્બમારાના કારણે ચાર લાખથી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં ૪,૨૩,૦૦૦થી વધુ લોકોને હવે તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે કારણ કે પેલેસ્ટિનિયન પ્રદેશ પર ઈઝરાયલ દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ગાઝામાં વિસ્થાપિત લોકોની સંખ્યા વધારાની ૮૪,૪૪૪ વધીને ૪૨૩,૩૭૮ પર પહોંચી ગઈ છે.

હ્યુમન રાઈટ્સ વોચે ગુરુવારે ઈઝરાયલ પર ગાઝા અને લેબનોનમાં તેની સૈન્ય કાર્યવાહીમાં સફેદ ફોસ્ફરસ હથિયારોના ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, આવા હથિયારના ઉપયોગથી નાગરિકોને ગંભીર અને લાંબા ગાળાની ઈજા થવાનું જોખમ રહેલું છે. જો કે ઈઝરાયલની સેનાએ ગાઝામાં સફેદ ફોસ્ફરસ ધરાવતાં હથિયારોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો છે.

જ્યારે હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે તેણે ૧૦ ઓક્ટોબરે લેબનોનમાં અને ૧૧ ઓક્ટોબરે ગાઝામાં લીધેલા વીડિયોની ચકાસણી કરી હતી. જેમાં ગાઝા સિટી બંદર અને ઇઝરાયલ-લેબનોન સરહદે આવેલા બે ગ્રામીણ સ્થળો પર આટલરીમાંથી ગોળીબાર કરવામાં આવેલા સફેદ ફોસ્ફરસના ઘણા હવાઈ વિસ્ફોટો દર્શાવવામાં આવ્યા હતા.

પેલેસ્ટિનિયન ટીવી ચેનલોએ તાજેતરના દિવસોમાં ગાઝા પરના આકાશમાં સફેદ ધુમાડાના પ્લુમ્સ દર્શાવતા વીડિયો પ્રસારિત કર્યા છે, જે તેઓ કહે છે કે સફેદ ફોસ્ફરસને કારણે થયો હતો. સફેદ ફોસ્ફરસ હથિયારનો ઉપયોગ કાયદેસર રીતે યુદ્ધના મેદાનમાં સ્મોક સ્ક્રીન બનાવવા, રોશની પેદા કરવા, લક્ષ્યોને ચિહ્નિત કરવા અથવા બંકરો અને ઇમારતોને બાળવા માટે કરી શકાય છે.

કારણ કે તેના કાનૂની ઉપયોગો છે, આંતરરાષ્ટ્રીય સંમેલનો હેઠળ સફેદ ફોસ્ફરસને રાસાયણિક હથિયાર તરીકે પ્રતિબંધિત નથી, પરંતુ તે ગંભીર જલન અને આગનું કારણ બની શકે છે. સફેદ ફોસ્ફરસને અમુક હથિયારોના ઉપયોગ પર પ્રતિબંધ પરના સંમેલનના પ્રોટોકોલ હેઠળ આગ લગાડનાર શસ્ત્ર ગણવામાં આવે છે.