ગાઝાથી હજારોનું પલાયન, લોકો ખોરાક-પાણી માટે વલખાં મારે છેં

તેલઅવીવ, ઇઝરાયલે હમાસના બે ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે. તેમાંથી એક હમાસ એરફોર્સના વડા મુરાદ અબુ મુરાદ અને બીજા હમાસ કમાન્ડો ફોર્સના કમાન્ડર અલી કાદી છે. ૭ ઑક્ટોબરના રોજ ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદથી ઈઝરાયલ દ્વારા હમાસ વિરુદ્ધ ગાઝા પટ્ટીમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઝરાયલ પર હુમલામાં અબુ મુરાદ આતંકવાદીઓને નિર્દેશ આપી રહ્યો હતો, જ્યારે અલી કાદી તેમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે, હમાસના તમામ આતંકવાદીઓની આવી જ હાલત કરીશું.

પેલેસ્ટાઇનમાં કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સીએ ઉત્તર ગાઝાપટ્ટીમાંથી મોટાપાયે લોકોની હિજરત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર ક્ષેત્ર ગંભીર માનવીય કટોકટી તરફ આગળ ધપી રહ્યું છે. છેલ્લા ૧૨ કલાકમાં હજારો પેલેસ્ટિની નાગરિકો હિજરત કરી ગયા છે. યુદ્ધને કારણે ગાઝા પટ્ટીની ૨૦ લાખમાંથી લગભગ ૫૦ ટકા વસતી અસરગ્રસ્ત થઈ છે.

ઈઝરાયલી સૈનિકોની મુલાકાત દરમિયાન ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધના આગલા તબક્કા માટે તૈયાર રહેવા માટે હાકલ કરી હતી. સેનાના પ્રવક્તા લે. કર્નલ જોનાથન કોનરિક્સે કહ્યું કે, ગાઝા પટ્ટીના જે લોકો ઈઝરાયલની ચેતવણી બાદ ક્ષેત્ર નહીં છોડે તેઓ પોતે જ તેમની અને પરિવારની સુરક્ષા માટે જવાબદાર ગણાશે.

ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર પણ હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના ૩,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. તેમાં ૨,૨૦૦ થી વધુ પેલેસ્ટાઈન અને ૧,૩૦૦ થી વધુ ઈઝરાયેલનો સમાવેશ થાય છે. હજારો લોકો ઘાયલ થયા છે.

ગયા અઠવાડિયે શનિવારે ઇઝરાયેલ પર હમાસનો હુમલો હવે ગાઝાના લોકોને ભારે મોંઘો પડી રહ્યો છે. ઈઝરાયેલની સેના દ્વારા ગાઝા પર બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે અને ત્યાંના લોકો હવે ખોરાક, પાણી અને વીજળી માટે તરસી રહ્યા છે. દક્ષિણ ગાઝાના રહેવાસી ઈયાદ અબુ મુતલક કહે છે, બેકરીમાં બ્રેડ નથી, નળમાં પાણી નથી, વીજળી નથી. સતત હુમલાને કારણે અહીં બધું જોખમમાં છે. હજારો લોકો દક્ષિણ ગાઝા તરફ આવી રહ્યા છે, જેના કારણે શરણાર્થી શિબિરોમાં પણ જગ્યા નથી મળી રહી.હોસ્પિટલોમાં પણ ભીડ જોવા મળી રહી છે. ત્યાં પણ ખોરાક, પીવાના પાણી અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ભારે કટોકટી સર્જાઈ છે. ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં બ્રેડ, ઈંડા, ભાત, દૂધ કંઈ જ ઉપલબ્ધ નથી. ઈઝરાયેલ હુમલાઓ કરી એક તરફ બોમ્બ વરસાવી રહ્યું છે અને બીજી બાજુ લોકોને ભૂખે મરવા મજબૂર કરી રહ્યો છે. ઈઝરાયેલે ગાઝામાં ભોજન, પાણી, વીજળી, ઈન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ બંધ કરીને સંપૂર્ણ નાકાબંધી કરી દીધી છે. બીજી તરફ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે.