ગાઝા,ઈઝરાયેલે વહેલી સવારે ગાઝાપટ્ટી પર એરસ્ટ્રાઈક કરી હતી. ઈઝરાયેલના સંરક્ષણ દળે એરસ્ટ્રાઈક માં બે ટર્નલ અને વેપન્સ ફેક્ટરીને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલે આ ઓપરેશનને ’ધ સ્ટ્રોંગ હેન્ડ’ નામ આપ્યું છે.એરસ્ટ્રાઈક પછી ગાઝાના આતંકવાદીઓએ પણ ઈઝરાયેલ પર રોકેટ હુમલો કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ દક્ષિણ ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન ગુંજવા લાગ્યા હતા.
લેબનોનથી ઈઝરાયેલ પર રોકેટ હુમલાના જવાબમાં ઈઝરાયેલે આ કાર્યવાહી કરી હતી. દક્ષિણ લેબનોનથી થયેલા હુમલામાં ઈઝરાયેલ તરફ ૩૪ થી વધુ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા અને ઘણી ઇમારતો, બેંકો અને વાહનોને નુક્સાન થયું હતું. ઈઝરાયેલે હુમલા માટે પેલેસ્ટિનિયન જૂથ હમાસને જવાબદાર ગણાવ્યું હતું. પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ આ સમયગાળા દરમિયાન ઇઝરાયેલ પર ગાઝાપટ્ટીથી ૨૫ રોકેટ પણ ઝીક્યાં હતા. આ બધાના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો.લેબનોનથી ઇઝરાયેલ પર રોકેટ હુમલામાં ધુમાડો નીકળતો હતો. આ માટે ઈઝરાયેલે હમાસને જવાબદાર માનીને ગાઝા સામે કાર્યવાહી કરી હતી.
ઈઝરાયેલ પર રોકેટ હુમલા બાદ પીએમ બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા કેબિનેટ સાથે બેઠક કરી હતી. આમાં તેણે કહ્યું હતું કે અમે દુશ્મન પર હુમલો કરીશું અને તેને દરેક હુમલાની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે રાજકીય મતભેદો હોવા છતાં, સમગ્ર ઇઝરાયેલ બાહ્ય જોખમોનો સામનો કરવા માટે એકજૂટ રહેશે.
ઇઝરાયેલ પોલીસે જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદમાં કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક પેલેસ્ટિનિયનોએ ફટાકડા, લાકડીઓ અને પથ્થરો સાથે મસ્જિદમાં પુરાઈ ગયા હતા અને બહાર બેરિકેડ લગાવી દીધા હતા. પોલીસે તેમને રોકવા માટે મસ્જિદમાં ઘુસવું પડ્યું હતું. આ દરમિયાન માસ્ક પહેરેલા દેખાવકારોએ પોલીસ પર પથ્થરો અને ફટાકડા વડે હુમલો કર્યો હતો. આ અથડામણમાં એક પોલીસકર્મી સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા. પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી હતી.
બીજી તરફ, પેલેસ્ટિનિયન સાક્ષીઓએ જણાવ્યું હતું કે રમઝાન મહિનામાં, ઇઝરાયેલ પોલીસે તેમના પર ગ્રેનેડ અને ટીયર ગેસથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમના શ્ર્વાસ રૂંધાઈ ગયા હતા. આ ઘટના બાદ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર ૯ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા.