
શ્રીનગર, નવી દિલ્હી : ઇઝરાયલે ગાઝા ઉપર સતત ચાલુ રાખેલા હુમલાઓએ ભારતની ચિંતા વધારી દીધી છે. ભારતને ભીતિ છે કે ઇઝરાયલના વિરોધમાં અહીં શ્રીનગરમાં પણ વિરોધ પ્રદર્શનો થઇ શકે તેમ છે. આ ઉપરાંત વિદેશી આતંકવાદીઓ, પણ ઘૂસણખોરી વધારી દે તેમ છે.
આથી રાજ્યની સલામતી એજન્સીઓએ રાજ્યમાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દીધી છે. આ સાથે આગામી મહીનાઓમાં આતંકીઓનો સામનો કઈ રીતે બરોબર કરવો તે વિષે પણ શ્રીનગર સ્થિત આર્મીના 15th કોર્પ્સનાં હેડ ક્વાર્ટરમાં ભૂમિ સેના સહિત અન્ય સલામતી દળોના કોર્પ્સ કમાન્ડરોની મીટીંગ યોજવામાં આવી હતી. કારણ કે સુરક્ષા દળોને આશંકા છે કે ગાઝામાં થઇ રહેલા ઇઝરાયલી હુમલાના વિરોધમાં લોકો અહીં પણ સડક ઉપર ઉતરી પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દીવસો પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે ૧૯મી ઓક્ટોબરે જ ફોન ઉપર વાતચીત કરતાં પેલેસ્ટાઇનીઓને તમામ માનવીય સહાય આપવાનું વચન આપ્યું હતું અને તે પ્રમાણે ભારત તરફથી દવાઓ, ખાદ્ય પદાર્થો વગેરેની સહાય મોકલાઈ જ રહી છે.
આમ છતાં સલામતી દળોને વ્યવસ્થા જાળવવા માટે ટેન્શન છે. જે આગામી કેટલાક દીવસો સુધી રહેશે જ.
૨૦૧૯માં આર્ટિકલ ૩૭૦ હઠાવવામાં આવ્યા પછી રાજ્યનું પુનર્ગઠન થયું. તે પછી સડકો ઉપર થતાં પ્રદર્શનોમાં થોડી ઓટ આવી હતી. પરંતુ વળી પાછી તેની સંભાવના દેખાતાં સલામતી દળો સતર્ક બની ગયાં છે. એક અધિકારીએ કહ્યું હતું કે આ બહાના નીચે વિદેશી આતંકીઓ પણ સક્રિય બનવા સંભવ છે.
વિદેશી આતંકીઓ સક્રિય થવા પાછળનું એક કારણ તે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થાનિક આતંકવાદીઓની ભર્તિમાં ઓટ આવી છે. આથી હિઝબ-ઉલ-મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા જેવાં આતંકી સંગઠનો વિદેશી આતંકીઓની ભર્તી કરે છે.
આ વર્ષે સલામતી દળોએ ૪૬ આતંકીઓને ઠાર માર્યા છે. તેમાં ૩૭ પાકિસ્તાનીઓ હતા. માત્ર નવ જ સ્થાનિક આતંકીઓ હતા. છેલ્લાં ૩૩ વર્ષમાં પહેલી જ વાર તેવું બન્યું છે કે સ્થાનિક આતંકીઓ કરતાં વિદેશીઓ ૪ ગણા હોય છે.
અત્યારે ઘાટીમાં ૧૩૦ આતંકી છે. તેમાં અર્ધાથી વધુ પાકિસ્તાની છે તેવા જાસૂસી અહેવાલો છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં થતા દેખાવોની આડમાં ઘૂસી તકલીફ સર્જી શકે.