ઇઝરાયેલે મંગળવારે મધ્ય અને દક્ષિણ ગાઝા પર કરેલા હવાઈ હુમલામાં ૬૦થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. આમાનો એક હુમલો તો ઇઝરાયેલે પોતે જાહેર કરેલા સેફ ઝોનમાં કરવામાં આવ્યો હતો, જ્યાં હજારો વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ વસે છે. દિવસનો સૌથી વિનાશક હુમલો બપોરે કરવામાં આવ્યો હતો. ખાન યુનિસના મુવાસી શહેરની બહાર આવેલા ગેસ સ્ટેશન સ્ટેશન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારને ઇઝરાયેલે પાછો પેલેસ્ટાઇનીઓ માટે સેફ ઝોન જાહેર કર્યો છે.
નાસીર હોસ્પિટલમાં ખાન યુનિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પથી ભરેલા આ વિસ્તારમાં ૧૭ના મોત થયા હતા. આ હુમલાને લઈને ઇઝરાયેલના લશ્કર તરફથી આ મુદ્દે કોઈ તાત્કાલિક નિવેદન આવ્યું નથી.
ઇઝરાયેલા આ જ વિસ્તાર પર કરેલા હુમલામાં ૯૦થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત થયા હતા અને તેમા બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેઓએ આ હુમલો હમાસના ટોચના નેતા મોહમ્મદ ડૈફને લક્ષ્યાંક બનાવીને હુમલો કર્યો હતો. હજી તેની શું સ્થિતિ છે તે જાણી શકાયું નથી.
ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં નુસૈરત અને ઝવાઇદાના નિરાશ્રિત કેમ્પ પર હુમલો કર્યો હતો. તેમા ચાર ઘરો ખતમ થઈ જતાં કમસેકમ ૨૪ના મોત થયા હતા. તેમા દસ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે નુસૈરતમાં થયેલા હુમલામાં બીજા નવના મોત થયા હતા.
ઇઝરાયેલના લશ્કરે સ્થળોના નામ આપ્યા વગર જણાવ્યું હતું કે તેમણે સેન્ટ્રલ ગાઝામાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. તેમણે તેમના ટાર્ગેટની વિગતો આપી ન હતી. આ ઉપરાંત ખાન યુનુસ અને રફાહમાં સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં બારના મોત નીપજ્યા હતા.
ઇઝરાયેલે આ હુમલો ત્યારે કર્યો છે જ્યારે ઇઝરાયેલ અને હમાસના પ્રતિનિધિઓ વચ્ચે યુદ્ધવિરામની દરખાસ્ત પર કામ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે ડૈફને લક્ષ્યાંક બનાવ્યા પછી હમાસે જણાવ્યું હતું કે આ મંત્રણા નવ મહિનાથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે છે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ કામ કરી રહ્યા છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થાય અને હમાસ ગાઝામાં પકડેલા ૧૨૦ બંધકોને છોડે.