ગાઝાના જબાલિયા કેમ્પમાંથી લગભગ ૭૦ પેલેસ્ટિનિયન નાગરિકોના મૃતદેહ મળી આવ્યા

ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિરમાંથી ઇઝરાયેલી સશસ્ત્ર દળોની પીછેહઠ બાદ લગભગ ૭૦ પેલેસ્ટિનિયન નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. લગભગ ત્રણ અઠવાડિયાના હુમલા બાદ ઈઝરાયલે તેના સશસ્ત્ર દળોને પાછા ખેંચી લીધા છે. એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સ ટીમોએ શુક્રવારે કેમ્પમાંથી ૨૦ બાળકો સહિત લગભગ ૭૦ મૃતદેહોને બહાર કાઢ્યા હતા

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઈઝરાયેલના હવાઈ અને તોપખાનાના હુમલાને કારણે અનેક લોકો ઘરો, કેમ્પ અને હોસ્પિટલોના કાટમાળ નીચે દટાઈ ગયાની આશંકા છે. હુમલાઓએ કેમ્પમાં અને તેની આસપાસના સેંકડો રહેણાંક એકમો તેમજ રસ્તાઓ, પાણી પુરવઠા પ્રણાલીઓ અને ગટરના માળખાને વ્યાપક નુક્સાન પહોંચાડ્યું છે. ઈઝરાયલી સૈનિકો પર અનેક એપાર્ટમેન્ટ અને રહેણાંક ઈમારતોમાં આગ લગાવવાનો પણ આરોપ છે. ગાઝામાં હમાસ સંચાલિત મીડિયા ઑફિસે જબાલિયા કેમ્પ પરના હુમલામાં થયેલા નુક્સાન માટે ઇઝરાયેલી સૈન્યની નિંદા કરી હતી.

તેમણે કહ્યું કે હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા, ઘણા રહેણાંક બ્લોક્સ નષ્ટ થયા અને ઘણા પેલેસ્ટિનિયનો વિસ્થાપિત થયા. યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન શરણાર્થીઓએ ગઈકાલે જણાવ્યું હતું કે તેને જબાલિયામાં તેની એજન્સી તરફથી ભયાનક અહેવાલો પ્રાપ્ત થયા છે, જ્યાં અમારી શાળામાં આશ્રય મેળવતા બાળકો સહિત વિસ્થાપિત લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જણાવ્યું હતું કે, આઇડીએફએ જબલિયામાં એક એજન્સી દ્વારા સંચાલિત શાળામાંથી રૂપાંતરિત આશ્રયને ઘેરી લીધો અને ત્યાં આશ્રય આપતા લોકોના તંબુઓને આગ લગાવી દીધી.