વોશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રથમ વખત ગાઝામાં અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ વખતે અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામનું સમર્થન કર્યું છે. આ અંગે વ્હાઇટ હાઉસના ટોચના અધિકારી જોન કિર્બીએ કહ્યું કે ઇઝરાયેલને લઇને અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે અમે પહેલાની જેમ જ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છીએ. અમે હજુ પણ ઈઝરાયેલને લશ્કરી સાધનો અને હથિયારો આપી રહ્યા છીએ જેથી ઈઝરાયેલ પોતાનો બચાવ કરી શકે. કારણ કે અમે માનીએ છીએ કે પેલેસ્ટિનિયન સંગઠન હમાસ હજુ પણ ઈઝરાયેલ માટે ખતરો છે.
તેમણે કહ્યું કે અમેરિકાએ આ વખતે પ્રસ્તાવ સામે વીટો નથી કર્યો, કારણ કે અગાઉના પ્રસ્તાવોથી વિપરીત, તે અમારી નીતિની ખૂબ નજીક છે. જેમાં ગાઝામાં અસ્થાયી યુદ્ધવિરામની સાથે બંધકોની મુક્તિ માટેની સમજૂતી પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે અગાઉના ઠરાવો સામે વીટો કર્યો હતો કારણ કે તેઓએ હમાસની નિંદા કરી ન હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ પસાર કર્યો હતો. તે ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ પરના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા તમામ લોકોને મુક્ત કરવાની પણ માંગ કરે છે. અમેરિકા આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યું. ઈઝરાયેલે પણ અમેરિકાના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાના બે ટોચના સલાહકારોની અમેરિકાની પ્રસ્તાવિત મુલાકાત પણ રદ્દ કરી દીધી છે. તે જ સમયે, મોસ્કોમાં કોન્સર્ટ હોલ પરના હુમલા પર, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરેન જીન પિયરે કહ્યું કે આ એક આતંકવાદી હુમલો હતો, જે આઇએસઆઇએસ દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આને સમજે છે અને તેઓ તેને સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે યુક્રેન સરકારનો આ હુમલા સાથે કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા નથી. અમે આ અંગે સંપૂર્ણ સ્પષ્ટ છીએ.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે અમે આ ભયાનક હુમલામાં પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમેરિકી સરકારે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની માહિતી રશિયા સાથે શેર કરી હતી. અમે આ બાબતે ખૂબ જ સ્પષ્ટ હતા. આ હુમલા માટે માત્ર આઇએસઆઇએસ જ જવાબદાર છે.