ગાઝા, ગાઝામાં ઇઝરાયેલના ગોળીબારમાં ૨૦ લોકોના મોતના અહેવાલ છે. અને ૧૫૫ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ દરમિયાન પેલેસ્ટાઈન આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગોળીબારમાં માર્યા ગયેલા ૨૦ લોકો અને ૧૫૫ ઘાયલ લોકો ભૂખ્યા હતા અને ખોરાકની પુરવઠાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ભીષણ ગોળીબાર થયો હતો.
રિપોર્ટ અનુસાર અલ શિફા હોસ્પિટલના ઈમરજન્સી યુનિટના ડોક્ટર મોહમ્મદ ખરાબે જણાવ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. કારણ કે ઘાયલોને હજુ પણ અન્ય હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, અગાઉ ઘટનાસ્થળે હાજર એક સાક્ષીએ કહ્યું હતું કે ડઝનેક લોકોના મોત થયા છે. એક વીડિયોમાં કથિત રીતે ઘટનાસ્થળે ડઝનેક મૃતદેહો પડેલા જોવા મળે છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ ઘટના માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂખ્યા અને તરસ્યા લોકો ગાઝાના કુવૈત ઈન્ટરસેક્શન પર રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ આ નાગરિકો પર ઈઝરાયેલ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર પર આટલરી અથવા ટેક્ધ ફાયર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અવાજ પરથી એવું જ લાગતું હતું. ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે ગુરુવારે એક નિવેદનમાં આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું, સીએનએનએ અહેવાલ આપ્યો હતો.
ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું હતું કે ઈઝરાયેલી સેના હજુ પણ ઉત્તરી ગાઝા પટ્ટીમાં રાહત પુરવઠાની રાહ જોઈ રહેલા નિર્દોષ નાગરિકોને મારી નાખવાની નીતિ અપનાવી રહી છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ જાહેરાત કરી કે માનવતાવાદી સહાય પ્રથમ વખત દરિયાઈ માર્ગે ગાઝામાં પ્રવેશ કરશે.
આઇડીએફએે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર કહ્યું કે ગાઝામાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવી રહી છે. પ્રથમ વખત, માનવતાવાદી સહાય દરિયાઈ માર્ગે ગાઝા પહોંચશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રફાહમાં હમાસના ઓપરેશન યુનિટના કમાન્ડર મોહમ્મદ અબુ હસનાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આઇડીએફ એ એમ પણ કહ્યું કે લેબનોનમાં હમાસનો આતંકવાદી હાદી અલી મુસ્તફા ઇઝરાયેલ અને યહૂદીઓ વચ્ચે આતંકવાદી ષડયંત્ર રચવા માટે જવાબદાર છે.