તેલઅવીવ : ગાઝામાં ઇઝરાયેલ ફરી પાછું ત્રાટક્તા તેણે ધડબડાટી બોલાવી છે. ઇઝરાયેલે શનિવારે કરેલા જબરદસ્ત હવાઈ હુમલામાં ૫૦થી વધુના મોત થયા છે અને ૬૦થી વધુને ઇજા થઈ છે. આ સાથે ગાઝામાં સાતમી ઓક્ટોબરના હુમલા પછી વળતી કાર્યવાહીમાં મરનારાનો આંકડો૧૯,૦૦૦ને વટાવી ચૂક્યો છે. હજી પણ યુદ્ધ બંધ થયું નથી, મૃત્યુ પામેલાઓમાં ૭૦ ટકા મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમા અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ઇજા પામ્યા છે અને કુલ ૨૩ લાખમાંથી ૨૦ લાખની વસ્તી વિસ્થાપિત થઈ ચૂકી છે.
યુદ્ધમાં બે મહિના થયા છે અને તેના પગલે ગાઝાપટ્ટીની ૮૫ ટકા વસ્તી વિસ્થાપિત થઈ છે. તેમને રહેવા માટે ઘર નથી. ગાઝા મહદ અંશે આખુ સાફ થઈ ચૂક્યું છે અને ૬૦ ટકા વસ્તી પાસે રહેવા ઘર નથી અને તેણે સરહદ નજીક આવેલા શરણાર્થી કેમ્પોમાં આશરો લેવાની ફરજ પડી છે. પેલેસ્ટાઇની મીડિયા મુજબ ઓલ્ડ ગાઝા સ્ટ્રીટના જબાલિયા સ્થિત બે ઘરો પર હુમલા થયા હતા.
ઇઝરાયેલ તરફથી થતાં હવાઈ હુમલાએ ગાઝાના કેટલાય શહેરોને ખંડેરમાં બદલી નાખ્યું છે. દરેક દિવસ વીતવાની સાથે ઇઝરાયેલનું લશ્કર ગાઝાના વધુને વધુ હિસ્સા પર અંકુશ જમાવી રહ્યું છે. આ કડીમાં ઇઝરાયેલે ગાઝા પરનું આક્રમણ વધારે તીવ્ર બનાવ્યું છે. સેન્ટ્રલ ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં થયેલા હુમલામાં લગભગ ૫૦ લોકોના જીવ ગયા હતા અને ૬૦થી વધુ ઇજા પામ્યા છે. તેમા ૧૪ મહિલાઓ અને ચાર બાળકો સામેલ હતા. રફાહ શહેરમાં કરેલા હવાઈ હુમલામાં લગભગ આઠના મોત થયા હતા.
ગાઝામાં હમાસને ખતમ કરવામાં લાગેલા ઇઝરાયેલે બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ઠાર કર્યા હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ત્રણ નાગરિકો ખોટી ઓળખના કારણે માર્યા ગયા હતા. ત્રણેયને ગાઝાાના ઉત્તરમાં શેજૈયામાં હાજર સૈનિકોએ ગોળી મારી દીધી હતી. ઇઝરાયેલના લશ્કરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતા ઇઝરાયેલના લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શિજાઇયામાં લડાઈ દરમિયાન આઇડીએફે ભૂલથી ત્રણ ઇઝરાયેલી બંધકોને જોખમકારક તત્વ તરીકે ઓળખ્યા અને પછી તેને ગોળી મારી ઠાર કર્યા. તેના પછી તપાસ દરમિયાન મૃતકોની ઓળખને લઈને શંકા જતા તેને ચકાસણી માટે ઇઝરાયેલ મોકલાયા. તેના પછી ખબર પડી કે મૃતક ઇઝરાયેલના નાગરિક હતા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ આ ઘટનાની ટીકા કરી છે.
આ ઉપરાંત અન્ય એક આશાસ્પદ વાત એ છે કે ઇઝરાયેલ અને કતાર વાતચીત માટે ફરીથી તૈયાર થઈ ગયા છે. ઇઝરાયેલ અને કતરના અધિકારી નોર્વેમાં મળવાના છે. આ મુલાકાતનો હેતુ યુદ્ધવિરામના બદલામાં ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને છોડવાનો અને ઇઝરાયેલની જેલોમાં બંધ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા અંગે વાતચીત ફરીથી શરુ કરવાનો છે.
અમેરિકાએ પણ ઇઝરાયેલને આગ્રહ કર્યો છે કે તે યુદ્ધમાં નાગરિકોની ખુવારીના વધતા આંકડા પર અંકુશ આણે અને ફક્ત હમાસના નેતાઓને જ ટાર્ગેટ બનાવે. અમેરિકન પ્રમુખ બાઇડેન નાગરિક જાનહાનિને લઇને ઇઝરાયેલ સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે. જો કે અમેરિકાએ ઇઝરાયેલને લશ્કરી અને રાજકીય સમર્થન આપવાનું જારી રાખ્યું છે.
આ ઉપરાંત ગાઝામાં લાંબા સમયથી ચાલતા યુદ્ધના લીધે ઇન્ટરનેટ તો છે જ નહી અને સેલફોન જેવા ઉપકરણો કોઈ કામના રહ્યા નથી કેમકે વીજળી નથી. વીજમોરચે અને ઇન્ટરનેટ કનેકશનના મોરચે રીતસરની બગડતી જતી સ્થિતિની સાથે ગાઝાની વસ્તી રીતસરના ભૂખમરામાં પરિવર્તીત પામી રહી છે.