ગાઝામાં ૧૦૦ લોકોને પકડીને ઈઝરાયેલના સૈનિકોએ નગ્ન હાલતમાં પરેડ કરાવી

ગાઝામાં જંગ લડી રહેલી ઈઝરાયેલી સેનાએ લગભગ 100 લોકોની અટકાયત કરી છે. જેના કેટલાક વિડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ 100 લોકોને શંકાસ્પદ આતંકી ગણાવીને ઈઝરાયેલના સૈનિકોએ તેમની નિર્વસ્ત્ર હાલતમાં પરેડ કરાવી છે. તેમને કપડા પહેરવાની છૂટ આપ્યા વગર જાહેરમાં બેસાડવામાં આવ્યા છે અને ઘૂંટણ પર ચલાવવામાં આવી રહ્યા છે તેવુ વિડિયોમાં જોઈ શકાય છે.

અન્ય એક ફૂટેજમાં ગાઝાના લોકોને નગ્ન હાલતમાં બેસાડવામાં આવ્યા છે અને તેમની પાછળ ઈઝરાયેલના સૈનિકો ઉભેલા દેખાય છે.

સાત ઓક્ટોબરે હમાસે કરેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ગાઝાના લોકો સાથે ઈઝરાયેલે આ પ્રકારની હરકત કરી હોવાનુ મનાઈ રહ્યુ છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, નગ્ન હાલતમાં પરેડ કરાવાયા બાદ 100 જેટલા લોકોને ઈઝરાયેલની સેના ટ્રકમાં બેસાડીને કોઈ જગ્યાએ લઈ ગઈ હતી.

રિપોર્ટ પ્રમાણે ઈઝરાયેલી સૈનિકોએ આ લોકોને અજાણ્યા સ્થળે લઈ જતા પહેલા તપાસ કરી હતી કે, તેઓ હમાસ સાથે સંકળાયેલા છે કે નહીં. તેમની આંખો પર સતત પટ્ટી બાંધેલી રાખવામાં આવી હતી અને હાથ પાછળની તરફ બાંધી દેવાયા હતા.

હમાસે દાવો કર્યો છે કે, નિર્દોષ નાગરિકોને આતંકવાદી હોવાના નામે ઈઝરાયેલે પકડયા છે. ઈઝરાયેલી મીડિયામાં આ ધરપકડની ભારે ચર્ચા છે પણ ઈઝરાયેલની સેનાએ આ મામલા પર હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

બીજી તરફ ઈઝરાયેલની સેનાના આ પ્રકારના વ્યવહારને અમાનવીય ગણાવીને લોકો ટીકા પણ કરી રહ્યા છે.