ગાઝા પટ્ટીમાં છ બંધકોના મૃતદેહ મળી આવ્યા બાદ ઈઝરાયલમાં રોષ ફાટી નીકળ્યો છે. રવિવારે સાંજે રાજધાની તેલ અવીવમાં લાખો લોકો પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. ૭ ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયલમાં આ સૌથી મોટો વિરોધ છે. વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ દેખાવો થયા હતા.
અહેવાલ મુજબ તેમાં ૩ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આ સિવાય અલગ-અલગ શહેરોમાં ૨ લાખથી વધુ લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક સંસ્થાએ વધુ મોટી ભીડનો દાવો કર્યો હતો.
હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમિલીઝ ફોરમે સીએનએનને જણાવ્યું કે ઈઝરાયલમાં પ્રદર્શનમાં ૭ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. એકલા તેલ અવીવમાં જ ૫ લાખથી વધુ લોકો વિરોધ કરવા આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન લોકોએ છ મૃતદેહોના પ્રતીક તરીકે છ શબપેટીઓ રાખી હતી.
ગાઝામાં છ બંધકોના મોત બાદ રવિવારે ઇઝરાયલમાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ યુદ્ધવિરામ કરાર ન સ્વીકારવાને કારણે લોકોમાં ગુસ્સો વયો હતો. પ્રદર્શનમાં અન્ય ૧૦૧ બંધકોની મુક્તિ સુનિશ્ર્ચિત કરવા નેતન્યાહૂને માગણી કરવામાં આવી હતી. દેખાવકારોએ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ત્યાં ટાયરો સળગાવી દીધા હતા. પ્રદર્શન દરમિયાન રોડ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
વિરોધીઓ વડા પ્રધાન નેતન્યાહુ અને તેમની સરકાર પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આક્ષેપ કરી રહ્યા હતા. તેઓ યુદ્ધવિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત. નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.
અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ આખી રાત વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેઓએ ઘણા હાઇવે બ્લોક કર્યા. તેઓ હવે-હવે ના નારા લગાવી રહ્યા હતા. તેઓ હમાસ સાથે વહેલી તકે યુદ્ધવિરામની માગ કરી રહ્યા હતા. ઘણા લોકો બંધકોને જીવતા પરત કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. દેખાવકારોએ બંધકોના સન્માનમાં છ હત્યા કરાયેલ બંધકો માટે માફી માગતા ઇઝરાયલી વજ, પીળી રિબન અને પ્લેકાર્ડ ધરાવ્યાં હતાં.
આ દરમિયાન ઇઝરાયલના સૌથી મોટા લેબર યુનિયન જનરલ ફેડરેશન ઓફ લેબરે સોમવારથી દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આરોગ્ય, પરિવહન અને બેંકિંગ જેવા ક્ષેત્રોમાં ૮,૦૦,૦૦૦ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે હડતાલ સવારે ૬ વાગ્યે શરૂ થશે. આ હડતાલનો હેતુ સરકાર પર યુદ્ધવિરામ માટે દબાણ વધારવાનો છે જેથી ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બાકીના લોકોને પાછા લાવી શકાય. હડતાલને કારણે ઈઝરાયેલનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ બેન-ગુરિયન પણ બંધ રહેશે.
જોકે, એરપોર્ટ ઓથોરિજટીએ આ વાતને નકારી કાઢી છે.૭ ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ મજૂર સંઘની આ પ્રથમ સામાન્ય હડતાલ હશે. અગાઉ, જૂન ૨૦૨૩ માં પણ સામાન્ય હડતાલ થઈ હતી, ત્યારબાદ વડા પ્રધાન નેતન્યાહૂએ ન્યાયિક સુધારાની યોજનાને મોકૂફ રાખવી પડી હતી. ૬ બંધકોના મૃતદેહ મળ્યા બાદ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટે પોતાની જ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર બંધકોને મુક્ત કરવાને બદલે સરહદી વિસ્તારને કબજે કરવાને પ્રાથમિક્તા આપી રહી છે.