‘જ્ઞાનવાપીમાં મોટું હિન્દુ મંદિર હતું…ભોંયરામાં મૂર્તિઓ મળી : જ્ઞાનવાપીમાં ASI સર્વે રિપોર્ટમાં ઘટસ્ફોટ.

જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડીરાત્રે જાહેર થયો હતો. આ અહેવાલ મુજબ પરિસરની અંદર ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે. 34 પુરાવા ટાંકવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર સંકુલ મંદિરની રચના પર ઊભું છે. મસ્જિદ સંકુલની અંદર ‘મહામુક્તિ મંડપ’ નામનો પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે.

ASIએ રિપોર્ટમાં લખ્યું છે કે જ્ઞાનવાપીમાં એક મોટું હિન્દુ મંદિર હતું. 17મી સદીમાં જ્યારે ઔરંગઝેબનું શાસન હતું એ સમયે જ્ઞાનવાપી માળખું તોડી પાડવામાં આવ્યું હતું. કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મૂળ રૂપ પ્લાસ્ટર અને ચૂના વડે છુપાવેલું હતું. 839 પાનાંના અહેવાલમાં ASIએ સંકુલના મુખ્ય સ્થળોનો ઉલ્લેખ કર્યો છે.

જ્ઞાનવાપીની દીવાલો અને શિલાપટો પર 4 ભાષાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. એમાં દેવનાગરી, કન્નડ, તેલુગુ અને ગ્રંથ ભાષાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ભગવાન શિવનાં 3 નામ પણ મળી આવ્યાં છે. આ છે જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર. તમામ સ્તંભો અગાઉના મંદિરના હતા, જેને મોડિફાઈ કરીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા.

પ્રાણીઓની આકૃતિઓ અને ધાર્મિક કોતરણી
સંકુલની હાલની રચનામાં સુશોભિત કમાનોના નીચેના છેડે કોતરવામાં આવેલી પ્રાણીઓની આકૃતિઓ વિકૃત થઈ ગઈ છે. ગુંબજના આંતરિક ભાગને ભૌમિતિક ડિઝાઇનથી શણગારવામાં આવ્યો છે. મંદિરના મધ્ય ખંડનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ તરફથી હતું. આ દરવાજો પ્રાણીઓ અને પક્ષીઓની કોતરણી અને સુશોભિત તોરણથી શણગારવામાં આવ્યો હતો.

પશ્ચિમી દીવાલને મંદિરના ભાગ તરીકે વર્ણવવામાં આવી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કન્નરથા, પ્રતિરથ અને નાગર શૈલીમાં બનેલી પશ્ચિમી દીવાલનો અભ્યાસ દર્શાવે છે કે એ હિન્દુ મંદિરનો ભાગ છે. આ દીવાલ 5 હજાર વર્ષ પહેલાં નાગર શૈલીમાં બનાવવામાં આવી હતી. દીવાલની નીચેથી 1 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા છે. એટલું જ નહીં, પરિસરમાં એક શિલાલેખનો તૂટેલો ભાગ પણ મળ્યો છે, જેનો અસલ પથ્થર ASI મ્યુઝિયમમાં છે. આ શિલાલેખ 1966નો છે. એના પર મહામુક્તિ મંડપ લખેલું છે. ઔરંગઝેબના શાસન (1792-93) દરમિયાન સ્થળના મૂળ તત્ત્વને નુકસાન થયું હતું.

સ્તંભો પર દીવાદાંડી અને ઘંટની આકૃતિઓ
રિપોર્ટમાં ASIએ કહ્યું હતું કે કોમ્પ્લેક્સના તમામ પિલર 1669ના છે, એટલે કે 17મી સદી પહેલાંના છે. આ મંદિર હોવાનું જણાય છે. એમાં હિંદુઓનાં પ્રતીક બનાવવામાં આવ્યાં છે. જ્ઞાનવાપીની પશ્ચિમી દીવાલ જૂના મંદિરના પથ્થરો (કાટમાળ)માંથી બનેલી છે. આ દીવાલ સાથે જોડાયેલો કેન્દ્રીય કક્ષ યથાવત્ રહ્યો છે, એટલે કે એ અપરિવર્તિત છે. જ્યારે બહારના બે કક્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

જ્ઞાનવાપી પ્લેટફોર્મના પૂર્વ ભાગમાં ભોંયરું બનાવતી વખતે જૂની સંરચના (મંદિર)ના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક થાંભલો (સ્તંભ) મળ્યો, જે ઘંટથી સુશોભિત હતો. એની ચારે બાજુ દીવા રાખવા માટે જગ્યા છે.

હિન્દુ પક્ષે કહ્યું- અમારો દાવો રિપોર્ટથી સાબિત થયો
ASIએ જણાવ્યું હતું કે જ્ઞાનવાપીના ભોંયરામાં એસ-1માં બે મીટર પહોળો કૂવો છે. એ આવરી લેવામાં આવ્યો છે. મંદિરમાં એક મોટો કેન્દ્રીય કક્ષ અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં એક કક્ષ હતા. ઉત્તર બાજુએ ત્રણ કક્ષના અવશેષો છે. દક્ષિણ અને પશ્ચિમમાં કક્ષ હજી પણ અસ્તિત્વમાં છે, પરંતુ પૂર્વમાં કક્ષના અવશેષો અને એની આગળનો વિસ્તાર ભૌતિક રીતે શોધી શકાયા નથી.

હિંદુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સર્વે રિપોર્ટથી સ્પષ્ટ થયું છે કે આદિ વિશ્વેશ્વર મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. અયોધ્યાની જેમ બનારસમાં પણ મંદિર તોડીને તેના સ્તંભો પર મસ્જિદ બનાવવામાં આવી હતી અને એના અવશેષો હતા.

મુસ્લિમ પક્ષનું નિવેદન- રિપોર્ટ વાંચ્યા બાદ જવાબ આપશે
શુક્રવારે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ કમિટીએ ASI સર્વે રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. વ્યવસ્થા સમિતિના સંયુક્ત સચિવ એસએમ યાસીને કહ્યું હતું કે આ એક અહેવાલ છે, કોઈ નિર્ણય નથી. 839 પાનાંના અહેવાલનો અભ્યાસ કરવામાં સમય લાગશે. નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે અને પછી વધુ વિચારણા કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ મસ્જિદ 804-42 હિજરી દરમિયાન જૌનપુરના એક સમૃદ્ધ મુસ્લિમ દ્વારા બનાવવામાં આવી હતી. સમ્રાટ અકબરના લગભગ 150 વર્ષ પહેલાંથી અહીં મુસ્લિમો નમાઝ પઢતા આવ્યા છે.