ગૌતમ નવલખાને ભીમા કોરેગાંવ કેસમાં જામીન મળ્યા,છેલ્લા ચાર વર્ષથી કસ્ટડીમાં હતો

નવીદિલ્હી,ભીમા કોરેગાંવ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે આરોપી ગૌતમ નવલખાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગૌતમ નવલખા છેલ્લા ચાર વર્ષથી કસ્ટડીમાં છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં હજુ સુધી આરોપ ઘડવામાં આવ્યા નથી, તેથી ટ્રાયલમાં ઘણો સમય લાગી શકે છે. જ્યારે આ કેસમાં ૬ સહઆરોપીઓ પહેલા જ જામીન મેળવી ચૂક્યા છે. કોર્ટે વધુમાં કહ્યું કે નવલખાના જામીન પરના પ્રતિબંધને વધુ લંબાવવાની જરૂર નથી.

બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગૌતમ નવલખા પર જામીન પર સ્ટે લાદવામાં આવ્યો હતો, જેને કોર્ટે વધુ લંબાવવાનો ઇનકાર કર્યો છે. તે જ સમયે, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે નવલખાને જામીનની શરત તરીકે નજરકેદ રાખતી વખતે થયેલા સુરક્ષા ખર્ચ તરીકે ૨૦ લાખ રૂપિયા જમા કરાવવા પણ કહ્યું છે.

ગૌતમ નવલખા નવેમ્બર ૨૦૨૨ થી નવી મુંબઈમાં નજરકેદ હતા. તેમની ઉંમર અને સ્વાસ્થ્યને યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેમની નજરકેદનો આદેશ આપ્યો હતો, તેમને અગાઉ જેલમાં રાખવામાં આવ્યા હતા. નવલખા અને અન્ય સહ-આરોપીઓ પર ભીમા કોરેગાંવ સ્મારક પર જાતિય રમખાણો ભડકાવવાનો આરોપ હતો. ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રમાં પુણે પાસે છે.

ગૌતમ નવલખા માનવાધિકાર કાર્યર્ક્તા અને પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સના ભૂતપૂર્વ સચિવ છે. ઓગસ્ટ ૨૦૧૮માં તેની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે ગૌતમ નવલખાને જામીન આપ્યા હતા પરંતુ પછી પોતાના જ આદેશ પર રોક લગાવી દીધી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે માનવતાના આધાર પર તેમને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો.

આ સમગ્ર મામલો ૩૧ ડિસેમ્બર ૨૦૧૭નો છે અને પુણેમાં આયોજિત એલ્ગાર પરિષદ સંમેલનમાં આપેલા ભાષણ સાથે સંબંધિત છે. પોલીસ પ્રશાસને તે સમયે આપવામાં આવેલા ભાષણોને ભડકાઉ ગણાવ્યા હતા અને એવી દલીલ પણ કરી હતી કે તે ભાષણો પછી સ્મારકની નજીક હિંસા થઈ હતી. ૨૦૧૮ માં, પોલીસે પી. વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ અરોરા, વર્નો ગોલ્સાલવિસ અને ગૌતમ નવલખાની ધરપકડ કરી અને તેમની સામે કેસ નોંયો.