ગઢડામાં પીજીવીસીએલ ત્રાટકી: ૨૦ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

પીજીવીસીએલે વીજચોરો સામે આકરી કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. આના ભાગરૂપે ગઢડા તાલુકો સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ૩૬ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ગઢડા શહેર કેટલાક વિસ્તારો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૯૦ વીજ કનેકશનો ચોરી કરતા ઝડપાતા અંદાજે ૨૦ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

પીજીવીસીએલની ૩૬ ટીમો દ્વારા ગઢડા શહેરનાં સામાકાંઠા, બોટાદ રોડ, કોઠીવાડી, માધવ પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ ગઢડા તાલુકાના ટાટમ, ગોરડકા, ઢસા સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.

લોક્સભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે પીજીવીસીએલ હરક્તમાં આવ્યું છે. આજે વહેલી સવારથી ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું છે. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરેલ વીજ ચેકિંગ દરમ્યાન ૯૦ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેમાં અંદાજે ૨૦ થી ૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.