ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચ.પી. ગેસ રિફિલિંગ કૌભાંડ સામે આવ્યુ હતું. જે સમગ્ર મામલે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન 19 કિલોના કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના નાના ગેસ સિલિન્ડરમાં ગેસ રીફીલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું અને તપાસ દરમિયાન ઓનલાઈન જથ્થા અને ભૌતિક જથ્થામાં પણ વધ ઘટ જોવા મળી હતી. જેથી ગોધરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા એજન્સીના માલિક, ગોડાઉન કીપર સહિત 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આઈ.પી.સી 285, 336, 114 અને આવશ્યક ચીજ વસ્તુઓના અધિનિયમ 7 મુજબ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ.
- તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલ ની ઘટ સામે આવી.
- તપાસમાં 91000 ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલન્ડર પણ સીઝ કરાયા.
ગોધરા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ લાલસિંહભાઈ રાજપૂતે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોધરા શહેરના મીનાક્ષી ગ્રીન સોસાયટી પાસે સીએન ગેસ એજન્સી આવેલી છે. જ્યાં ગેસ એજન્સીના પ્રોપરાઇટર ચંદુભાઈ નટવરભાઈ પરમાર તથા ગોડાઉન કીપર રામુભાઇ હીરાભાઈ ઢોલી અને ગેસ એજન્સીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા નાયક વિઠ્ઠલભાઈ ફતાભાઈ તેમજ નાયક કાળુભાઈ ગલાભાઈ ગંભીર પ્રકારનું કૃત્ય કરતા હતા.
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં એચ.પી ગેસ એજન્સીનું ગોડાઉન આવેલુ છે. જેમા પુરવઠા વિભાગને જાણકારી મળી હતી કે, એજન્સીના સંચાલક અને અન્ય ઈસમો દ્વારા ગેસના બોટલમાંથી અન્ય બોટલમા રીફીલીંગ કરવામાં આવતું હતું. જેને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ગોધરા શહેર એસઓજી પોલીસ અને મામલતદારની ટીમ પણ જોડાઈ હતી. તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલની ઘટ સામે આવી હતી. જેમાં 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા વધુ તપાસમાં એજન્સીના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નીભવેલા ન હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એલ.પી.જી વિતરણ અને કંટ્રોલ આદેશ તેમજ એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુન્હો બનતો હોવાને કારણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.