
સુરત,
સુરતના વડોદ ગામમાં ગેસ ગૂંગળામણની ઘટના સામે આવી છે. વડોદ ગામમાં ગેસ ગુંગળામણના કારણે રાત્રે સૂતેલો પરિવાર બેભાન થઈ ગયો હતો. જેમાં એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તમામ પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર દુર્ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના વડોદ ગામમાં પરિવાર સૂતો હતો. તે દરમિયાન જ ગેસ લીકેજ થતા આખું પરિવાર બેભાન અવસ્થામાં મળી આવ્યું હતું. મહિલા ઘરકામ કરવા માટે રોજ જતી હતી. આજે સવારે તે વહેલી ન ઉઠતા પડોશીઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી પડોશીઓને શંકા ગઈ કે, કેમ મહિલા ઉઠતી નથી અને તેમણે દરવાજો તોડી નાખ્યો હતો.

ગેસ લીકેજ થવાને કારણે આખું પરિવાર જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યું હતુ. પરિવારના તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા ૧૪ વર્ષનો દીકરીને મૃત જાહેર કરાઈ છે. ત્રણ બાળકો અને મહિલા સારવાર હેઠળ છે. યુપીવાસી પરિવારના મુનિકાંત યાદવ નાઈટ પાળીમાં કામ પર હતા. જેના પરિવારની એક બાળકીનું મોત થયું છે.