ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના ૪ લોકોના ઊંઘમાં મોત થયા હોવાની આશંકા

સુરતમાં રાત્રે સુતેલા એક બંધ ઘરમાં ૪ લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ છે. રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ના ઉઠતા પોલીસમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસે તપાસ શરુ કરી હતી. પહેલા સામુહિક આપઘાતની થિયરી સામે આવી હતી, તેના બાદ ફૂડ પોઈઝનની વાત હતી. પરંતું હવે ગેસ ગુંગળામણ થઈ હોવાથી મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઈડ જીવલેણ બન્યો હોવાની શક્યતા છે.

નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે, મોરા ભાગળ ખાતે બનેલી ઘટનામાં હાલ પ્રાથમિક તપાસમાં ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલાવાથી મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્બન મોનોક્સાઈડથી મૃત્યુ થતું હોય છે. ઘરના બાથરૂમમાં રહેલા ગેસ ગીઝરનો ઉપયોગ કલાકો સુધી કરતા મૃત્યુના બનાવો ઘણી વખતે સામે આવતા હોય છે. આ કિસ્સામાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના ૪ લોકોના મૃત્યુ કાર્બન મોનોક્સાઈડથી થયા હોઈ શકે છે.

ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડના કારણે મોત થયું હોઈ શકે છે. ઘરમાં કલાકો સુધી ગેસ ફેલાઈ અને ઘર ચારે બાજુથી બંધ હોય તો આ ઘટના બની શકે છે. હાલ બેના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે. તેમના મૃતદેહમાંથી ઝેર અથવા અન્ય કોઈ જીવલેણ વસ્તુ મળી આવી નથી. પરંતુ હાલ તમામ સેમ્પલ લઈને આગળ મોકલી દીધા છે. જેથી તેઓના મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ પ્રાથમિક ધોરણે ગેસ લીકેજથી મોત થયાનું તારણ છે.

મૃતકોના નામ ૧ . જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.૫૮),૨ . શાંતુબેન વાઢેર (ઉં.વ.૫૫),૩ . ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. ૫૫),૪ . હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. ૬૦)

ચારેય ગૂંગળામણ થયા બાદ હલનચલન ન કરી શક્યા તે અંગે મળતી માહિતી પ્રમાણે, ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડના કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા બનવાનું શરૂ થઈ જાય છે. આ સાથે જ જે તે વ્યક્તિ હલનચલન કરી શક્તા નથી. આ ઘટનામાં પણ એવું જ બન્યું હોવાની આશંકા છે. ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડની અસરના કારણે ચારે હલન ચલન પણ ન કરી શક્યા અને દરવાજો પણ ન કરી શક્યા અને જ્યાં હતા ત્યાં જ મોતની ભેટ્યા હતા.