- હવામાન વિભાગે નાગરિકોને સાવચેતીના પગલાં લેવા માટે સલાહ આપી.
નવીદિલ્હી,હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, ગંગીય પશ્ર્ચિમ બંગાળ, તટીય આંધ્ર પ્રદેશ અને બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં આવતા ૩-૪ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહી શકે છે. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે હીટવેવ માટે એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેતીના પગલાં લેવા માટે સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા ૧૫ અને ૧૬ એપ્રિલ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં બારીપાડા ગુરુવારે સૌથી વધુ ગરમી હતી, જ્યાં તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. આ સિવાય અંગુલમાં ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ, તાલ્ચરમાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ, ભવાનીપટનામાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ, બાલાંગિરમાં ૪૨ ડિગ્રી સેલ્સિયસ, બુદ્ધમાં ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ, સોનપુરમાં ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ, તિતિલાગઢમાં ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.
આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર મિશ્રાએ કહ્યુ કે અમે ૧૫ અને ૧૬ એપ્રિલ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. ઓડિશામાં આગામી ૩ દિવસ સુધી ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા છે. આ કારણે અમે નાગરિકોને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે જો બપોર પછી કોઈ તાત્કાલિક કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. આ ઉપરાંત કાળઝાળ ગરમીને જોતા મહેસૂલ મંત્રી પ્રમિલા મલિકે કહ્યું છે કે ૧૬ એપ્રિલે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. એપ્રિલની શરૂઆતમાં, હવામાન વિભાગે ઉત્તરપશ્ર્ચિમ અને દ્વીપકલ્પના વિસ્તારોના કેટલાક ભાગો સિવાય એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય મહત્તમ તાપમાનની આગાહી કરી હતી.
આઇએમડી મુજબ ગંગાના પશ્ર્ચિમ બંગાળના અલગ-અલગ ભાગોમાં સોમવાર (૧૭ એપ્રિલ), ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં શનિવાર (૧૫ એપ્રિલ) સુધી અને બિહારમાં ૧૫ એપ્રિલથી ૧૭ એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. મય અને ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં મહત્તમ તાપમાન હાલમાં ૪૦થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યુ હતુ કે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં ૨૦ એપ્રિલથી ૨૬ એપ્રિલની વચ્ચે થોડા દિવસો માટે હીટવેવ રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે.