ગરીબોની હોળી ફીકી રહેવાના એંધાણ:દાહોદની સરકારી અનાજની દુકાનો પર વિતરણની જાહેરાતના 19 દિવસ બાદ પણ ખાંડ-દાળનો જથ્થો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ

દાહોદ, દાહોદ જીલ્લાની સરકારી અનાજની દુકાનો પર હોળીના તહેવાર ટાણે જ તુવેર દાળ અને ખાંડનો જથ્થો પહોંચડવામા પુરવઠા વિભાગ નિષ્ફળ જતા ગરીબોની હોળી ફીકી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે, દાહોદ જીલ્લાના આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. ત્યારે રાજ્યના કોઈપણ ખૂણે મજૂરી અર્થે ગયેલા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવારની ઉજવણી માટે માદરે વતન આવતા હોય છે. ત્યારે આ વખતે દાહોદ જીલ્લાના આદિવાસી ગરીબ પરિવારોની હોળી તુવેર દાળ અને ખાંડ વિના ફીકી થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબ રેશનકાર્ડ ધારકોને તા.1 માર્ચથી સરકારી અનાજની દુકાનો પરથી કાર્ડદીઠ એક કિલો તુવેરદાળ આપવાની જાહેરાત 15મી ફેબ્રુઆરીના રોજ કરવામા આવી હતી. રાજ્ય સરકારની જાહેરાતને આજે 19 દિવસ વિતી ગયા છતાંય દાળ સરકારી અનાજની દુકાનો પર પહોંચી નથી. દાહોદ જીલ્લા પુરવઠા વિભાગની બેદરકારીના કારણે દાહોદ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને હોળીના તહેવાર ટાણે જ તેમને મળવાપાત્ર અનાજ, ખાંડ અને દાળનો જથ્થો મેળવવા ફાંફા મારવા પડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સરકાર બીપીએલ, એનએફએફ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને માર્ચ માસની 1 તારીખથી એક કિલો તુવેરદાળ 50 રૂપિયાના ભાવે આપવાની જાહેરાત મોટાઉપાડે કરાઇ હતી. પરંતુ આજે માર્ચ માસના 19 દિવસ વિતી ગયા હોવા છતાંય તુવેરદાળ સરકારી અનાજની દુકાનો પર હજી સુધી પહોંચી નથી. બજારમાં તુવેરદાળ કિલોના 120 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહી છે. સાથે દાહોદ જીલ્લાની સરકારી અનાજની દુકાનો પર ખાંડનો જથ્થો પર હજી સુધી પહોચ્યો નથી, સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને એક કિલોના રૂપીયા 22 લેખે આપવામા આવે છે. જ્યારે અંત્યોદય કાર્ડ ધારકને એક કિલો ખાંડના રૂપીયા 15 લેખે વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગરીબ રેશનકાર્ડ ધારકોને હવે ના છુટકે બજારમા મોઘા ભાવે 50 રૂપીયે કિલો વેચાતી ખાંડ ખરીદવાનો વારો આવ્યો છે.

દાહોદ જીલ્લાના ગરીબ આદિવાસી રેશનકાર્ડ ધારકો સરકારી અનાજની દુકાન પર ક્યારે ખાંડ અને તુવર દાળનો જથ્થો આવશે તેનો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. સરકારી અનાજની દુકાન ચલાવતા સંચાલકોના જણાવ્યાં પ્રમાણે તેઓએ દાળ અને ખાંડ પરમીટ ઓનલાઈન કાઢી લીધી છે. દાળ અને ખાંડ માટેના ભરવાપાત્ર પૈસા પણ ચલણ કરીને સરકારમા જમા કરાવી દીધા છે, તેમ છતા હજુ સુધી પુરવઠા વિભાગ તરફથી દાળ અને ખાંડ પહોચાડવામા આવી નથી. ત્યારે ગરીબ રેશનકાર્ડ ધારકો મહિનાની 1લી તારીખથી દુકાનોમાં અનાજ લેવા જાય છે, પરંતુ ખાંડ અને તુવેરદાળ વિના વિલા મોઢે પરત ફરી રહ્યા છે. પુરવઠા ખાતાની વ્યવસ્થાના અભાવના કારણે કાર્ડધારકોએ વારંવાર ધક્કા ખાવા છતા દાળ અને ખાંડનો જથ્થો મળી શક્યો નથી.

આ બાબતે ધાનપુર તાલુકાના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કાસીબેન ડામોરને પુછતા જણાવ્યું હતું કે, સરકારી અનાજની દુકાનો પર ઘઉં-ચોખા અને બાજરીનો જથ્થો પહોચાડી દેવામા આવ્યો છે. જ્યારે ખાંડ અને દાળનો જથ્થો એફ.સી.આઈ. દ્વારા અત્રેના ગોડાઉન પર પહોંચાડવામા આવેલ નથી, જેથી સરકારી અનાજની દુકાન ઉપર જથ્થો પહોંચાડેલ નથી. ખાંડ અને દાળનો જથ્થો આવ્યેથી તાત્કાલિક સરકારી દુકાનો પર પહોંચાડવામા આવશે.

દાહોદ જીલ્લામાં ખાંડ અને દાળના જથ્થા બાબતે જીલ્લા પુરવઠા મામલતદાર વીરેન્દ્ર ચાવડા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ટેન્ડરમાં મોડુ થવાના કારણે, ખાંડ અને દાળની સપ્લાઈ ગોડાઉન પર મળી નથી, જેથી જથ્થો ગોડાઉન પર હાજર નથી. ગોડાઉન પર આવે ત્યારે ઉપલબ્ધ કરાવી આપીશું. આ મહિને દાળ અને ખાંડ ક્યારે આવશે તે કહેવુ મુશ્કેલ છે, પરંતુ જેવી ગોડાઉન પર આવશે એટલે તુર્તજ સરકારી અનાજની દુકાનો પર પહોચાડવામા આવશે.