ગોધરા ખાતે વિવિધ યોજના હેઠળ 21 લાભાર્થીઓને સ્‍ટેજ પરથી મહાનુભાવોના હસ્‍તે પ્રતિકાત્‍મક સાધન-સહાય સહિતના લાભો અપાયા

પંચમહાલ જિલ્‍લાના ગોધરા શહેરમાં આવેલા પંચામૃત ડેરી પાસેના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રેનૂકાબેન ડાયરા અને સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. જે અંતર્ગત ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા બાદ મળી જિલ્‍લાના 25 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓની રૂ. 55.63 કરોડથી વધારેની રકમના સાધન-સહાયના લાભો એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાંથી 21 જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સ્ટેજ ઉપરથી મહાનુભાવના હસ્તે દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના, માનવ ગરિમા યોજના, પાલક માતાપિતા સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વરોજગારી યોજના સહિત અન્ય યોજનાઓ અંતર્ગત સાધન-સહાય, સહાયના હુકમો, સહાયની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં ગુજરાતનાં છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડવાના કાર્યને અવિરતપણે કરવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. તેમણે ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી સાચા લાભાર્થીઓ એવા ગરીબો-દરિદ્રનારાયણો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રાજય સરકાર સાચા અર્થમાં નાગરિકોની કાળજી રાખી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અન્વયે યોજાયેલા જિલ્લાકક્ષાના મેળાના માધ્યમ થકી 25 હજારથી વધુ લાભાર્થીઓને 55.63 કરોડથી વધુની રકમના સાધન સહાય અને લાભો મળ્યા હોવાનું જણાવી તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે પંચમહાલ લોક્સભા બેઠકના સાંસદ રાજપાલ સિંહ જાદવે ગરીબ કલ્‍યાણ મેળાના શ્રેષ્ઠ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અને મેળામાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ મેળાના માધ્‍યમથી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર લોકકલ્‍યાણના કામો માટે સતત તત્‍પર રહી કાર્ય કરી રહી છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી નાગરિકોએ મૂકેલા વિશ્વાસનું વિકાસના રૂપમાં વળતર આપી રહી હોવાના કારણે જ આજે પણ આ સરકારને જનતા જનાર્દનનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાંસદે પંચમહાલ જિલ્લામાં વિકાસના કામો થતાં રહે અને ગરીબ તથા વંચિતોને સરકારે બનાવેલી યોજનાઓના લાભો સરળતાથી મળતા રહે તે માટે છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સરકાર કટીબદ્ધ છે. તેમ જણાવી વિવિધ યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય સી.કે.રાઉલજીએ મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્‍વ હેઠળની રાજય સરકાર સમાજના અંતિમ તબક્કાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડી, કોઇપણ નાગરીક વિકાસથી વંચિત ન રહી જાય તેવી નેમ સાથે કામ કરી રહી છે. ત્‍યારે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આ વિકાસયાત્રામાં જન-જનને સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.

મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યુ હતું કે, ગરીબ કલ્‍યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી, પરંતુ ગરીબોનું ઉત્‍થાન કરવાનો છે. તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના સમયમાં ગરીબો અને વંચિતોની સેવા માટે શરૂ થયેલા જનસેવાનો યજ્ઞ એટલે ગરીબ કલ્યાણ મેળો. જેને રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ વેગવાન બનાવીને ગરીબોને આત્‍મનિર્ભર બનાવી આત્‍મનિર્ભર ભારત અભિયાનને ગતિમાન બનાવવાનું કાર્ય થઇ રહ્યું છે. તેમ ઉમેરી તેમણે સરકારે વચેટિયાઓને નાબૂદ કરીને યોજનાઓના લાભો સીધા લાભાર્થીઓના હાથોહાથ પહોંચાડવાનું કામ કર્યું હોવાનું જણાવ્‍યું હતું.

કાર્યક્રમના સ્થળે મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના સમાપન પૂર્વે સ્વચ્છતાલક્ષી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત તમામ લોકો દ્વારા સ્વચ્છતા શપથ પણ લેવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આશિષકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.કે.બારિઆ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વિનોદભાઇ ભગોરા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એમ.દેસાઈ, કાલોલના ધારાસભ્‍ય ફતેસિંહ ચૌહાણ, અગ્રણી અશ્વીનભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રાંત અધિકારી, જિલ્‍લાના વિવિધ વિભાગના અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.