દાહોદ,દાહોદ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આવવા પામ્યો છે. જેમાં 2020ની સાલ દરમિયાન કૌટુંબિક મામાએ પોતાની છ વર્ષીય ભાણી ઉપર દુષ્કર્મ આચરી ભાણીને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવ બાદ આ કેસ આજરોજ દાહોદની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા જજ સી.કે. ચૌહાણ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવતા કોર્ટ સંકુલમાં સન્નાટા સાથે ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ જીલ્લાના ગરબાડા નગરમાં એક કૌટુંબિક મામા શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય ભાણેજનું 2020 ની સાલમાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારીયા બાદ પુરાવાનો નાશ કરવા માટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ બાળકીની લાશને નજીકના જંગલ જેવા વિસ્તારના જાડી-જાખરામાં ફેંકી દેતા ગ્રામજનોમાં આ નરાધમ સામે ફિટકાર સહિત રોષની લાગણી પણ ભભૂકી ઉઠી હતી.
ચાર વર્ષના લાંબા સમય બાદ ખરેખર મૃતક બાળકીને ન્યાય મળ્યો હોય તેવો આજ રોજ ચુકાદો આવ્યો હતો. જેમાં દાહોદની સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ સી.કે. ચૌહાણ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપી શૈલેષ માવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે ઉપરાંત આરોપીને 363 માં સાત વર્ષની સજા અને દંડકરવામાં આવ્યો છે. 302 ના ગુનામાં અને પોસ્કો એક્ટના ગુનામાં આજીવન કેદની અંતિમ શ્ર્વાસ સુધીની સજા તેમ જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોક્સો એક્ટની કલમ છ મુજબ મૃત્યુ દંડ ની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરોપી શૈલેષ માવી 2018ની સાલમાં મિત્રની પત્નીને સળગાવી દેવામાં શૈલેષ 8 માસ પહેલા જામીન પર છૂટ્યો હતો અને ત્યારબાદ પોતાની જ ભાણેજ સાથે તેને દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. વર્ષ 2018 માં પોતાની એક મિત્રની સાથે મળીને મિત્રની પત્નીને બંને ભેગા મળી સળગાવી દેતા પોલીસે બંનેની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આ કેસમાં જે તે સમયે શૈલેષ 8 માસ પહેલા જામીન પર છૂટી ઘરે આવ્યો હતો. કહેવાય રહ્યું છે કે, આ શૈલેષ માનસિક વિકૃતિ ધરાવતો હતો.
ગરબાડા ગામે છ વર્ષની માસુમ બાળકીને પીંખી નાખનાર કુટુંબી મામો ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના બચાવ માટે ગુમ થયેલી બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો. આ રીતે પોતે કશું જ જાણતો ન હોવાનું કામ લોકો સમક્ષ ડોળ કરતો હતો. આખરે પોલીસે લાલ આંખ કરતા ગુનો કબૂલ્યો હતો.
આરોપી સામે તપાસના અંતે તપાસ કરતા અધિકારીએ ચાર્જશીટ રજૂ કરતા જજ સી.કે. ચૌહાણ ની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જેમાં 28 જેટલા મૌખિક સાહેદો તપાસવામાં આવ્યા હતા, તેમજ 94 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદ પક્ષ દ્વારા આરોપીની સંડોવણી પુરવાર કરવામાં આવી હતી. આખા કેસમાં કોઈપણ સાહેદને ફરી ગયેલ સાબિત કરવામાં આવ્યો ન હતો. તમામે તમામ સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હતું. મેડિકલ ઓફિસર, એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ, સાયન્ટિફિકલી ઓફિસર તેઓના પુરાવા ખૂબ જ મહત્વના રહ્યા હતા.