
દાહોદ, દાહોદ જીલ્લાની ગરબાડા તાલુકા પંચાયત કચેરીની પાસે નલ સે જલ યોજના અંતર્ગત મોટો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. જે પાણીના ટાંકાની પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે તેમજ ટાકો ભરવા માટે પાણીની લાઈન ચાલુ બંધ કરનાર જે તે વ્યક્તિ દ્વારા પાણી ચાલુ કર્યા બાદ સમયસર આ પાણીનો વાલ બંધ ન કરાતા પાછલા લાંબા સમયથી વિપુલ પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેમજ પાણી ટાકાની આસપાસ આવેલ ખેતરોમાં પાણી ભરાતા ખેતર માલિકોના પાકને નુકસાન થતું હોવાના કારણે ખેતર માલિક લીલાબેન શંકરભાઈ ચૌહાણ દ્વારા તારીખ સાતમીના ગરબાડા ગ્રામ પંચાયતમાં આ બાબતે લેખિત રજૂઆત કરી છે. જો સમયસર ટાંકો ભરતી વેળા વાલ ચાલુ બંધ કરવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે તેમ છે, પરંતુ આવું કરવામાં આવતું નથી. બીજી તરફ ટાંકાની પાસે જ ચોકીદારને રહેવા માટે રૂમ પણ આપેલ છે, પરંતુ અહીંયા કોઈ ચોકીદાર ન હોવાના કારણે રૂમના બારી દરવાજા ચોરાઈ ગયા છે. તેમ જ ટાંકાની ઉપર બનાવવામાં આવેલ તમામ ઢાંકણા પણ ચોરાઈ ગયા છે. જેને આજદિન સુધી બેસાડવાની તસ્દી લેવામાં આવી નથી. અંદાજીત 30 થી 35 લાખ લિટરની ક્ષમતાવાળા આ ટાંકા ઉપર ઢાંકણા તેમજ ચોકીદાર ન હોવાના કારણે કોઈ ગંભીર અકસ્માત બની શકવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જે બાબતથી લાગતા વળગતા અધિકારીઓ વાકેફ હોવા છતાં પણ આંખ આડા કાન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.
