
- જીલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સ્થાનિક પોલીસની સાથે લઈ સગીરાના ઘરે પહોંચી પરિવારજનોને સમજાવતા બંને પરિવારોએ સંમતિથી બાળ લગ્ન અટકાવી દીધા.
દાહોદ,ગરબાડા તાલુકાના નવાગામે બાળ લગ્ન થતા હોવાની જાણ જીલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર સાથે મળી નવાગામ ખાતે ચાલતા લગ્ન પ્રસંગમાં પહોંચી આ બાળ લગ્ન અટકાવ્યા હતા અને યુવતી અને યુવકના બંને પરિવારોને સમજાવટ કરતા આખરે બંને પરિવારોની સંમતિથી આ બાળ લગ્ન થતાં અટકી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ ખાતે રાજેશભાઈ છત્રસિંહ રાઠોડની સગીર વયની પુત્રીના લગ્ન આજરોજ લગ્ન થવાના હતા અને તે યુવતીની જાન નગરાળા ખાતેથી આવતી હોવાની જાણ બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગને થતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી લગ્ન સ્થળ પર જવા રવાના થયાં હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં નગરાળાથી નીકળી નવાગામ ખાતે લગ્ન મંડપમાં જાન આવી ગઈ હતી અને લગ્નની પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી.તે સમયે લગ્ન મંડપમાં પહોંચેલી બાળ સુરક્ષા એકમના તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે આ બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. યુવક-યુવતીના બંને પરિવારજનોને સમજાવટ કરી આ બાળ લગ્ન અટકવાતા લગ્ન કરવા આવેલી જાણ વિલા મોઢે પરત ફરી હતી અને આ બાળ લગ્ન થતા અટકી ગયા હતા.

આમ, જીલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીના પગલે વધુ એક બાળ લગ્ન થતા અટક્યા હતા.