દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાની મીનાક્યાર ગામે આવેલ ચેકપોસ્ટ પર પોલીસની વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે 66.09 કિલોગ્રામ ચાંદી કિંમત રૂા.18,12,472ની બીલ વગરની ચાંદી સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.23,12,622ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની હેરાફેરી અટકાવવા તેમજ અન્ય મુદ્દામાલની હેરાફેરી અટકાવવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ ગરબાડા પોલીસ મીનાક્યાર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી અને તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી. ત્યારે એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને તેને ઉભી રાખી ગાડીની તલાસી લેતાં ગાડીની તલાસી પોલીસ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી 66.09 કિલોગ્રામ બીલ વગરની ચાંદી કિંમત રૂા.18,12,472ની ચાંદી મળી આવી હતી. પોલીસે ગાડીની કિંમત મળી કુલ રૂા.23,12,622નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક પલાસભાઈ સુધીરભાઈ જયસ્વાલ (રહે. મધ્યપ્રદેશ) નાની અટકાયત કરી હતી.
આ સંબંધે ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.