ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે જમીનના ઝગડામાં 7 ઈસમોએ પથ્થર મારો કરી ધીંગાણું મચાવતા ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે જમીન સંબંધિ મામલે થયેલ ઝઘડા તકરારમાં 07 જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ઘર પર પથ્થર મારો કરી એકને ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે ગરગાડી ફળિયામાં રહેતા રમેશભાઈ ભીમાભાઈ ગણાવા, રાજુભાઈ ભીમાભાઈ ગણાવા, વિક્રમભાઈ ચંન્દ્રસિંહ ગણાવા, વિજયભાઈ રમેશભાઈ ગણાવા, રાહુલભાઈ રાજુભાઈ ગણાવા, ક્રિશભાઈ કમલેશભાઈ ગણાવા તથા બાદલભાઈ મહેશભાઈ ગણાવાનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ગત તા.28મી માર્ચના રોજ ફોર વ્હીલર ગાડીમાં બેસી તેમજ ચાલતાં આવી ગામમાં રહેતાં દિપાભાઈ પ્રતાપભાઈ ગણાવાના ઘર તરફ આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમારી ઘરવાળી તેમજ તમારા ઘરની આગળ આવેલ બધી જમીન અમારી છે અને તમો મોટા થઈ ગયા છો અને તમો આ ઘરો ખાલી કરી જતાં રહો નહી તો તમોને જાનથી મારી નાંખીશુ, તેવી ધાકધમકીઓ આપી હાથમાં પથ્થરો લઈ આવી દિપાભાઈ, કરણભાઈ તથા પુનીબેનના ઘર પર પથ્થર મારો કરી પતરા તેમજ દરવાજાને નુકસાન પહોંચાડી કરણભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે દિપાભાઈ પ્રતાપભાઈ ગણાવાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.