ગરબાડા, ગરબાડા તાલુકાના સાહડામાં માટીનુ બમ્પર આવતા બોલેરો ચાલકે બ્રેક મારી હતી. જેના કારણે તેની બાજુમાં બેઠેલો વ્યકિત ખાલી સાઈડનો દરવાજો ખુલી જતા નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતુ.
દે.બારીઆ તાલુકાના જુના બારીયા ગામના રણજીતભાઈ રમણભાઈ ભીલની બેન ઉષાબેનના છોકરાની બાધા બાબાદેવ રાખી હતી. જેથી બધા સગાવ્હાલા ઈકો તેમજ તુફાન ગાડી લઈને તા.23 જુનના રોજ તેમના ધરેથી બાબાદેવ ગયા હતા. ત્યારે બાબાદેવ બાધા પુરી કરી સાંજના સમયે ધરે જવા નીકળ્યા હતા. ત્યારે સાહડા ગામ પાસે રોડ ઉપર નવા બનતા નાળા પાસે માટીનુ બમ્પર આવતા બોલેરો પીકઅપ ગાડીના ચાલક પ્રવિણભાઈ રણજીતભાઈ ભીલે જોરથી બ્રેક મારતા તેની બાજુમાં બેઠેલ વિજયભાઈ રમણલાલ ભીલ ખાલી સાઈડનો દરવાજો ખુલી જતા રોડ પર પટકાતા માથામાં ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ સંદર્ભે રણજીતભાઈ રમણભાઈ ભીલે અકસ્માત બાદ ફરાર ચાલક પ્રવિણ રણજીત ભીલ સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.