ગરબાડામાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે નીકળતી મહાદેવની શોભાયાત્રા ની પરંપરા હાલમાં વિસરાઈ

  • એક સમય હતો જ્યારે મહાદેવની શોભાયાત્રા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનતી હતી.
  • શોભાયાત્રા નીઆ પ્રથા ફરીથી ચાલુ થાય તેવું દરેક લોકો ઈચ્છે છે, પરંતુ તેના માટે પ્રયત્નો કરવા કોઈ પણ તૈયાર નથી.

ગરબાડા નગરમાં વર્ષો વર્ષથી પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવ મંદિરે થી મહાદેવની શોભાયાત્રા કાઢવામાં આવતી હતી. જે પરંપરા હાલમાં વિસરાઈ હોવાનું જોવા મળી રહ્યું છે.

એક સમય હતો, જ્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવની ભવ્ય ઝાંખી બનાવી અને હાથ લારી ઉપર જ ઢોલ મંજીરા અને વાજાપેટી સાથે ગામના વડીલો ભજનીકો દ્વારા એક થી એક ભજનોના સૂર છેડવામાં આવતા હતા. જે શોભાયાત્રા બપોર બાદ ચાર વાગે રામનાથ મહાદેવ મંદિરેથી નીકળી અને નગરમાં ફર્યા બાદ સાંજના સાત કલાકે રામનાથ મહાદેવ મંદિરે આવતી હતી. ઘણીવાર તો વરસાદના કારણે ચાલુ વરસાદમાં જ આ શોભાયાત્રા નીકળતી હતી.

તે બધી વાતો આજે માત્ર યાદો બનીને રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને ત્યારબાદ ભગવાન ભોળાનાથ ની આરતી અને પ્રસાદીનો કાર્યક્રમ થતો હતો. જ્યારે રાત્રીના અભિષેકના કાર્યક્રમો ચાલતા હતા. જોકે અભિષેક તો હાલમાં પણ થાય છે. શોભાયાત્રાના આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર નગરમાં વેપારીઓ સ્વયંભૂ પોતાનો ધંધો રોજગાર બંધ કરી અને આ શોભાયાત્રામાં જોડાતા હતા.

વર્ષ 2008 બાદથી આ શોભાયાત્રામાં ભજનીકોનું સ્થાન બેન્ડ વાળા વાજાઓ એ લીધું અને ત્યારબાદ કોવિડના સમયથી આ શોભાયાત્રા હાલમાં પણ બંધ હોવાનું મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવની શોભાયાત્રાની પ્રથા ફરીથી ચાલુ થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ તેના માટેના પ્રયાસો કરવા કોઈપણ તૈયાર નથી.