ગરબાડાના પાંદડી ગામે વડના ઝાડ ઉપર મધ કાઢવા ચઢેલ યુવાન નીચે પટકાતા મોત

દાહોદ,

ગરબાડા તાલુકાના પાંદડી ગામમાં રાતના સમયે વડના વૃક્ષ ઉપર મધ કાઢવા ચઢેલ યુવક નીચે પટકાતા તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. આ ધટનાથી તેના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે જેસાવાડા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો.

ગરબાડા તાલુકાના પાટીયા ગામના આશ્રમ ફળિયામાં રહેતો 27 વર્ષિય રીમાલભાઈ સબુરભાઈ ભુરિયા રાતના સમયે ભમ્મરિયો મધ કાઢવા માટે પાંદડી ગામમાં વડના ઝાડ ઉપર ચઢ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે ઝાડ ઉપરથી નીચે પટકાયો હતો. જેથી તેના માથે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. સવારના સમયે ગામના પાદરમાં નીકળેલા પાંદડી ગામના ભાભોર ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ ડામોરે વડ નીચે પડેલી રીમાલભાઈની લાશ જોઈને જેસાવાડા પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે જેસાવાડા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.