ગરબાડા,
ગરબાડા તાલુકાના પાંદડી ગામેથી પસાર થતી લગ્નની જાન પર મધમાખીના ઝુંડે હુમલો કરતા મહિલાઓ અને બાળકો સહિત 15 થી વધુ જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જાનૈયાઓને ગરબાડા તેમજ અભલોડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દાખલ કરાયા છે. જયારે બે મહિલાઓ એક પુરૂષ તથા બે બાળકોને વધુ ઈજાઓ થતાં દાહોદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
પાંદડી ગામે ગાળા ફળિયાના રહેવાસી કરણ સંગોડના લગ્ન હોવાથી તેઓની જાન તાલુકાના ભરસાડા ગામે જવાની હતી. જેમાં ડીજેના તાલે ઝુમતા જાનૈયાઓ પાદડી ગામેથી વરસાડા ગામ તરફ રવાના થયા હતા તે સમયે ડીજેના ઘોંઘાટથી નજીકમાં આવેલા મધપુડાની મધમાખીખો છંછેડાઈ હતી. અને મધમાખીના ઝુંડે એકાએક જાનૈયાઓ પર હુમલો કરતા 15થી વધુ જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં નાના બાળકો તેમજ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હાલ મધમાખીના હુમલામાં ઈજાગ્રસ્ત જાનૈયાઓ પૈકી કેટલાક અભલોડ પ્રા.આરોગ્ય કેન્દ્ર તેમજ ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યા હતા.