- 17 ડીલેવરીઓમાં સાત દીકરી અને દસ દીકરાઓનો સમાવેશ તમામ ડીલેવરીઓ નોર્મલ.
ગરબાડા,ગરબાડા તાલુકાના નવા ફળિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ દિવસમાં કુલ 17 ડિલિવરી થતાં દવાખાનાનું વાતાવરણ બાળકોના ખીલ ખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 17 બાળકોમાં 7 દીકરી અને 10 દીકરાનો સમાવેશ થાય છે જે તમામ બાળકો તંદુરસ્ત છે. ગરબાડા થી મધ્ય પ્રદેશની બોર્ડર માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે જ લાગી જતી હોય છે. મધ્યપ્રદેશ નજીક હોવાથી ત્યાંના લોકો પણ અંહી સારવાર માટે આવતા હોય છે. જેમાંથી મધ્ય પ્રદેશની 5 મહિલાઓ, રાજકોટની 1, ધાનપુર 2 અને ગરબાડાની 9 મળી કુલ 17 ડીલીવરી એક જ દિવસમાં કરાવાઈ હતી. જેમાં એક બાળકનો વજન 2 કિલો હોવાથી ડોકટરે તેની માતાને કાંગારૂ કેર વિષયની સમજણ આપવામાં આવી હતી. એક જ દિવસમાં 17 પારણા ઝૂલતા 17 પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌ કોઈએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
એક સાથે 17 ડિલિવરી અંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આર.કે મહેતા દ્વારા જણાવાયું હતું કે, 17 ડિલિવરી માં તમામ ડિલિવરી નોર્મલ થઈ છે અને હાલ તમામ બાળકો અને માતાઓ તંદુરસ્ત છે.