દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે એક વ્યાજખોર દ્વારા એક પીડીતને 10 ટકાના ઉચા વ્યાજદરે ગેરકાયદેસર વ્યાજના નાણાં ધિરાણ કર્યા બાદ વ્યાજખોર દ્વારા પીડીત વ્યક્તિ પાસે પઠાણી ઉઘરાણી કરતાં પીડીત વ્યક્તિ દ્વારા 10 ટકાના વ્યાજે લીધેલ સાડા ત્રણ લાખની સામે 6 લાખ ઉપરાંતની રકમ વ્યાજખોરને ચુકવી દીધાં બાદ પણ વધુ નાણાંની માંગણી કરી પીડીતને ધાકધમકીઓ આપતાં પીડીત પોલીસને શરણે ગયો હતો અને પોલીસમાં વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે વ્યાજખોરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ વ્યાજના ત્રાસને કારણે રાજ્યમાં અનેક લોકો પોતાના જીવનદોરી ટૂંકાવી દીધેલા બનાવોને અટકાવવા માટે ખૂબ જ ગંભીરતાથી વ્યાજ ખોરો સામે સકતમાં સખત કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે. ત્યારે આજે જેસાવાડા પોલીસ મથકે એક ફરિયાદી આવેલ અને તેઓએ ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીએ એક ઈસમ પાસેથી વ્યાજે રૂપિયા 3,50,000 લીધા હતા જેની સામે તેઓએ 6,25,000 હજાર રૂપિયા ચૂકવી દીધેલ હતા. પરંતુ એ ઈસમ ફરિયાદી પાસે મહિને 10% ના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ વર્ષના 30 લાખ રૂપિયા બાકી નીકળતા હોવાનું કહીને તેના પરિવારને ધાક ધમકી આપતો હતો. જે બાબતે ફરિયાદીએ જેસાવાડા પોલીસનો સંપર્ક કરતા આ અંગે જેસાવાડા પોલીસે તપાસ કરતા ફરિયાદી ને લગતા પુરાવા મળે આવતા વ્યાજખોર ઈસમ રમસુભાઈ પરશુભાઈ ભાભોર નઢેલાવ ગામનાને ઝડપી પાડી જેસાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જીલ્લામાં વ્યાજખોરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. વ્યાજખોરોના આતંકને પગલે ઘણા પરિવારો બરબાદ પણ થઈ ચુક્યાં છે. ભુતકાળમાં કેટલાક વ્યક્તિઓએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા પણ કરી હોવાના બનાવો બની ચુક્યાં છે. ત્યારે આવા વ્યાજખોરો દાહોદ જીલ્લામાં હાલ પણ સક્રિય છે. ઘણા વ્યાજખોરો સામે તો પોલીસ ફરિયાદ પણ થઈ ચુકી છે, પરંતુ પોલીસ ફરિયાદ બાદ પણ આવા વ્યાજખોરો હાલ પણ પોતાનો ગેરકાયદેસર વ્યાજનો ધંધો ફુલ્યો ફાલ્યો રાખી રહ્યાં છે અને બિન્દાસ્ત પણ ફરી રહ્યાં છે. ત્યારે દાહોદ જીલ્લા પોલીસ દ્વારા પુન: એકવાર આવા વ્યાજખોરો પર લગામ કસવામાં આવે તે અત્યંત આવશ્યક છે.