દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતા જેમાં એક મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.09મી એપ્રિલના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે રાંગણ ઘાટી પરના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે સામેથી મોટરસાઈકલ લઈ આવી રહેલા અમરસિંગભાઈ રૂપસિંગભાઈ રાઠોડ (રહે. છરછોડા, તળાવ ફળિયું, તા. ગરબાડા, જી.દાહોદ) ની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં અમરસિંગભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે વિજયભાઈ રૂપસિંગભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.