દાહોદ,
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે પશુના તબેલામાં આકસ્મિક આગ ભભુકી ઉઠતાં 6 જેટલા મુંગા પશુઓ ભીસણ આગમી બળીને ભડથું થઈ ગયાં હતાં. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ નજીકના ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ગરબાડા તાલુકાના જાંબુવા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા માનસિંગભાઈ ગુમલાભાઈ ભાભોર ખેતી કામની સાથે ગાયોનો તબેલો પણ છે. તેમના તબેલામાં સાતથી આઠ જેટલી ગાયો અને આઠેક જેટલા બકરા પણ હતા ત્યારે ગતરોજ રાત્રીના બારેક વાગ્યાના આસપાસ તેઓને તબેલામાં આકસ્મિક આગ ફાટી નીકળતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનીક લોકોએ હાથમાં જે આવ્યું તેમાં પાણી ભરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ જણાતાં સ્થાનીક ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતાં ફાઈયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ત્રણ ગાયો અને ત્રણ બકરા બળીને ભડથું થઈ ગયાં હતાં. રાત્રીના બનેલ આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.