ગરબાડાના ગાંંગરડી ગામે કરિયાનાની દુકાન માંથી ચાઈનીઝ દોરીનો જથ્થા સાથે દુકાનદારોને ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે એક કરીયાણાની દુકાન માંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કરી દુકાનદારની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ઉત્તરાયણના પર્વ દરમ્યાન કાચના પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઈનીઝ બનાવટની દોરી, માંઝાને કારણે માનવ, પશુ, પક્ષીઓને ઈજા પહોંચવાના તથા મૃત્યુ થવાના અનેક બનાવો બને છે. જેથી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઈનીઝ બનાવટની દોરી, માંઝાનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડવા ગરબાડા પોલીસે ગરબાડા, ગાંગરડીમાં દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે ગરબાડા પોલીસે ગાંગરડી ગામે એક કરિયાણાની દુકાન ચલાવતાં પંકજકુમાર ચંન્દ્રવદન શાહની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન દુકાન માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. જેથી ગરબાડા પોલીસે પંકજકુમાર ચંન્દ્રવદન શાહને ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.