ગરબાડાના ગાંગરડા ગામે બસમાં બેસવાની સીટ માટે બસ ઉપર પથ્થરમારો

ગરબાડા, ગરબાડા તાલુકાના ગાંગરડા ગામની જામફળી ચોકડી નજીક રાત્રિના સમયે ગાંધીનગર-નિમચ બસમાં સીટ પર બેસવાના મુદ્દે ગામના શખ્સે પથ્થરમારો કરી ડ્રાઈવરને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પથ્થરમારો કરનાર શખ્સને ઝડપી પાડયો હતો.

ગાંધીનગર-નિમચ બસ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામના જામફળી ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ઝરી કળસિયા ગામનો અનીલભાઈ ભાભોરે બસ ઉપર પથ્થર મારતા આગળનો કાચ તુટી ગયો હતો. તેમજ ડ્રાઈવરને તમે મારી ફોઈને રીઝર્વેશન કરાવેલ હોવા છતાં સીટના બદલે નીચે બેસાડી લઈ ગયા તેમ કહી ગાળો ભાંડી અહિંથી બસને નહિ જવા દઉં કહી ડ્રાઇવરને જાનથી મારી નાંખવાની ધમકી આપી પથ્થર મારો કર્યો હતો. આ બાબતે ડ્રાઈવર અને કંડકટર દ્વારા સરપંચ તેમજ ડેપો મેનેજરને જાણ કર્યા બાદ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આરોપીને પકડી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.