ગરબાડાના ચંદલા ગામે બાઈક ઉપર લઈ જવાતો 25 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે એક મોટરસાઈકલ પરથી પોલીસે રૂા.25,440ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઈસમ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડ્યાંનું જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની માતાને નોટીસ આપી હાજર થવા પોલીસ દ્વારા જણાવાયું છે.

દાહોદ જીલ્લામાં વિદેશી દારૂની રેલમઝેલ થઈ રહી છે અને તેમાંય હવે વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોએ હવે બાળ કિશોરોનો હેરાફેરીમાં ઉપયોગ કરી રહ્યાં છે. ભુતકાળમાં પણ આવા વિદેશી દારૂની હેરાફેરીમાં બાળ કિશોરો સંઘર્ષમાં આવી ચુક્યાં છે. ત્યારે આવોજ એક વધુ બનાવ બનવા પામ્યો છે. જેમાં ગત તા.11મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ચંદલા ચોકડી પાસીયા રોહા રસ્તા પર નાકાબંધી કરી ઉભા હતા અને તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને મોટરસાઈકલ નજીક આવતાંની સાથે મોટરસાઈકલના ચાલક વિપુલભાઈ દિનેશબાઈ પલાસ (રહે. ખજુરીયા, ખાડા ફળિયા, તા. ગરબાડા, જી.દાહોદ) અને તેની સાથેના એક બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. મોટરસાઈકલ પરથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 192 કિંમત રૂા. 25,440ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા. 55,425નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની માતાને પોલીસે નોટીસ આપવામાં આવી છે અને હાજર થવા જણાવાયું છે. આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.