ગરબાડાના બોરીયાળા ગામે મોપેડ ઉપર દારૂના હેરાફેરીમાં ઈસમોને પોલીસે પીછો કરતાં બે ઈસમો ફરાર 45 હજારનો દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે માધ્યમિક શાળાની આગળ એક મોપેડ ટુ વ્હીલર ગાડી પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોનો પોલીસે પીછો કરતાં મોપેડ ગાડીના ચાલકે એક બોલેરો ગાડીને અડફેટમાં લઈ બંન્ને ઈસમો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોપેડ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી રૂા. 15,000નો વિદેશી દારૂનો જથ્થો તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા. 45,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.09મી ઓગષ્ટના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે બોરીયાળા ગામે માધ્યમિક શાળાની આગળ નાકાબંધી કરી ઉભા હતાં તે સમયે ત્યાંથી એક મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર પ્રકાશભાઈ રમેશભાઈ ડામોર (રહે. બોરીયાળા, ગામતળ ફળિયું, તા. ગરબાડા, જી.દાહોદ) તથા તેની સાથે અન્ય એક ઈસમ એમ બંન્ને જણા પોતાના કબજાની મોપેડ ટુ વ્હીલર ગાડી પર વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરતાં હતા. તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસે તેઓનો પીછો કરતાં પોલીસે જોઈ બંન્ને ઈસમો ભાગવા જતાં તે સમયે એક બોલેરો ગાડીને અડફેટમાં લેતાં ઉપરોક્ત બંન્ને ઈસમોને શરીરે ઈજાઓ પહોંચી હતી. પોલીસે પ્રકાશભાઈ રમેશભાઈ ડામોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નં. 115 જેની કુલ કિંમત રૂા. 15,000 તેમજ મોપેડ ટુ વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. 45,000 નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગરબાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.