ગરબાડા,ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયામાં ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં જે મૃતદેહ મળી આવ્યો છે તે ગુલબાર ગામના પાટીયા ફળિયામાં રહેતા હિંમતભાઈ મંડોડનો હોવાનુ જાણવા મળ્યુ છે.
તા.14 એપ્રિલે સાંજે કતવારા ગામે મહેમાન ગતિ ગયા હતા ત્યાંથી હિંમતભાઈ ગુમ થયા હતા. જેની તેમના છોકરા મેહુલભાઈ દ્વારા કતવારા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ કરાઈ હતી. પરિવારજનો છેલ્લા સાત દિવસથી સગાસંબંધિઓને ત્યાં અને કતવારા વિસ્તારમાં શોધખોળમાં લાગ્યા હતા. ત્યારે બોરીયાળા ગામના સીમાડા પર આવેલા અવાવરૂ કુવામાં લાશ તરતી હોવાની પરિવારજનોને જાણ થઈ હતી. પોલીસ દ્વારા મૃતકનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે,હિંમતભાઈ મંડોડે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરાઈ છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.