દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે એક દંપતિ પર દિપડાએ હુમલો કરતાં દંપતિને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે દિપડાના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ જીલ્લામાં દિપડાના હુમલાના બનાવો વધવા માંડ્યાં છે. ત્યારે દિપડાના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ગરબાડા તાલુકના ભે ગામે રહેતાં દશરથભાઈ દિપાભાઈ રાઠોડ તથા તેમની પત્નિ મંજુબેન દશરથભાઈ રાઠોડ બંન્ને આજરોજ વહેલી સવારના સાડા સાત વાગ્યાના આસપાસ પોતાના ખેતરમાં ફુલોની વાડીમાં ફુલો તોડતાં હતા. તે સમયે જંગલ વિસ્તાર માંથી આવી ચડેલા વન્ય પ્રાણી દિપડાએ ઉપરોક્ત દંપતિ પણ હુમલો કરતાં દંપતિએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. આસપાસાના લોકો દોડી આવતાં જોઈ દિપડો જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો હતો. ત્યારે દંપતિને દિપડાએ શરીરે ઈજાઓ પહોંચાડતાં દંપતિને નજીકના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા, જ્યાંથી વધુ સારવાર માટે દંપતિને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ સ્થાનીક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. વન વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને રાત્રીના સમયે ઘરની બહાર ન નીકળવાની સુચના આપી હતી. ત્યારે બીજી તરફ દિપડાના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.