ગરબાડાના બાવકા ગામે રોડ ઉપર ચાલક ભુંડ સાથે અથડાતા ધટના સ્થળે મોત

દાહોદ,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે પટેલ ફળિયામાં રોડ પર રાત્રીના સમયે પુરપાટ દોડી આવતી મોટર સાયકલ તેના ચાલકની ગફતને કારણે અચાનક ભુંડ સાથે અથડાતાં મોટર સાયકલ પરથી રોડ પર પટકાયેલા મોટર સાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામે નીચવાસ ફળિયામાં રહેતા 26 વર્ષીય હાર્દિકભાઈ નવલસિંહ રાઠોડ પરમ દિવસના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે પોતાની જીજે-20 કે-8843 નંબરની બજાજ ડીસ્કવર કંપનીની મોટર સાયકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન બાવકા ગામે પટેલ ફળિયામાં રોડ પર અચાનક ભુંડ આવી જડતાં મોટર સાયકલ પરના સ્ટેરીંગ પર કાબુ ન રહેતા હાર્દિકભાઈ નવલસિંહ રાઠોડની મોટર સાયકલ ભુંડ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ સાથે રોડ પર પટકાયેલા હાર્દિકભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ સંબંધે ચાંદાવાડા ગામના નીચાવાસ ફળિયાના મૂળ રહેવાસી અને હાલ દાહોદ રોયલ રેસીડેન્સીમાં રહેતા શંકરભાઈ હિરાભાઈ રાઠોડે નોધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.