ગરબાડા, ગરબાડા તાલુકાની પ્રજાને ગામડે ગામડે પોતાના ધરની આગળ જ નળ દ્વારા પાણીની સુવિધા મળી રહે તેવા શુભ આશયથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નલ સે જલની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ભ્રષ્ટ નિતીના કારણે નલ સે જલ યોજનાની કામગીરીમાં તમામ જગ્યાઓ ઉપર માત્ર અને માત્ર વેઠ જ ઉતારવામાં આવી છે.
સરકારના નાણાંનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનુ જણાઈ રહ્યુ છે. તેમ છતાં પણ આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી. અવાર નવાર અનેક જગ્યાએથી આવી સમસ્યાઓના પ્રશ્ર્નો ઉઠતા જ રહ્યા છે. આવી જ એક સમસ્યા હાલમાં ગરબાડા તાલુકાના અભલોડ ગામતળમાં સર્જાઈ છે. જયાં નલ સે જલ યોજના હેઠળ બનાવવામાં આવેલ નવીન પાણીના ટાંકામાંથી લીકેજ થતુ હતુ. જેથી ગ્રામજનોની રજુઆત ઉપર ફરીવાર આ ટાંકાનો સ્લેબ ભરવામાં આવ્યો હતો. પરંતુ હલકી કક્ષાની કામગીરીને કારણે પાણી લીકેજ થવાનો પ્રશ્ર્ન બે વાર સ્લેબ ભર્યા બાદ યથાવત રહ્યો હોવાથી ગ્રામજનો દ્વારા આ બાબતે પાણી પુરવઠાની કચેરીએ રજુઆત કરવામાં આવી છે.