ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે નદી પાસે કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષિય બાળક ઉપર દિપડાએ એક પછી એક એમ બે વાર હુમલો કર્યો હતો. જોકે આ દરમિયાન બાળકના કાકાએ બુમાબુમ કરતા દિપડો ભાગી ગયો હતો. દિપડાના હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા બાળકને લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે દાહોદ ખસેડવામાં આવ્યો હતો.
ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના રોઝી ફળિયામાં રહેતા 15 વર્ષિય કિશોર મીનેશભાઈ દિનેશભાઈ પરમાર, તેના કાકા મહેશભાઈ સાબુભાઈ પરમાર જોડે ધરની નજીક નદી પાસે બકરા ચરાવવા ગયો હતો. દરમિયાન ખાડામાં સંતાઈ રહેલા દિપડાએ હુમલો કર્યો હતો. જેમાં મીનેશના મોંઢાના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.કિશોરે તેમજ તેના કાકાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ મિનેશને સારવાર માટે ગાંગરડી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ટુંકી સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધટનાને પગલે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.